વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વડનગર
સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે.
શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ના અંતિમ દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને વડનગર તાલુકાના ઉમિયાપુરા અને ત્રાંસવાડ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આંગણવાડી અને બાલવાટિકા તેમજ ધોરણ ૧ ના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા હતા.
આ પ્રસંગે ઉદબોધન કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ નિર્દોષ બાળકોના ભવિષ્ય બનાવવાનો કાર્યક્રમ છે. ઉમિયાપુરા ગામમાં બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે આજે આખું ગામ આવ્યું છે,જે બાળકોને આજીવન યાદ રહેશે. ૨૧ મી સદી એ જ્ઞાનની સદી છે, માટે દરેક પરિવારનું આશાનું કિરણ એવા આ બાળકો આગામી સમયમાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવી ગામ અને રાજ્યનું નામ રોશન કરે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, બાળકોના અજ્ઞાત મનમાં પોઝીટીવીટી મેળવવા માટેનું પ્રથમ પગથિયું એ આજનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ છે. ગુજરાતનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે. રાજ્યના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બન્યો છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અગાઉના વર્ષોમાં ૧૦૦ બાળકોમાંથી શાળામાં પ્રવેશ બાદ ૩૭ બાળકો અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હતા. જે વાત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યાને આવી અને તેમણે દરેક બાળક શિક્ષણ મેળવે ગુજરાતનું એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરાવી હતી. જેના પરિણામે આજે ડ્રોપઆઉટ રેશિયામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ પ્રસંગે ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જ્વળ ભવિષ્ય માટે તેમજ પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમ દરમિયાન મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રી સહિત ઉપસ્થિત સર્વેએ મિશન લાઈફ અને રોડ સેફ્ટી અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી. મંત્રીએ શિક્ષણ નીતિ ૨૦૨૦ નિપુણ ભારત અંતર્ગત તૈયાર કરવામાં આવેલ સાહિત્યના પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અને શાળામાં ચાલતા શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમના અંતે મંત્રી સહિતનાઓએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં અગ્રણી સર્વે મહેશભાઈ પટેલ, કિરીટભાઈ ચૌધરી, સજનબેન, ભારતીબેન, જમનાબેન, ઈશ્વરભાઈ પટેલ,નાયબ પશુપાલન નિયામક, સમગ્ર શિક્ષા વિભાગના અનિલભાઈ ઉપાધ્યાય, એસએમસીના સભ્યો, શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.