AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે થશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે ‘સરદાર @150 યુનિટી માર્ચ’ તથા ‘એકતા શપથ’નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને યુનિટી માર્ચને પ્રસ્થાન કરાવશે.

કાર્યક્રમનું પ્રારંભિક પ્રસ્થાન 31 ઑક્ટોબર, શુક્રવારે સવારે 7.30 વાગ્યે નારણપુરાની સરદાર પટેલ કોલોનીમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસેથી થશે. આ યુનિટી માર્ચ સરદાર પટેલ કોલોનીથી શરૂ થઈ સરદાર પટેલ સ્ટેડિયમ રોડ, સી.જી. રોડ માર્ગે આગળ વધશે અને અંતે આશ્રમ રોડ પર આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે પૂર્ણ થશે.

રાષ્ટ્રીય એકતા દિવસની આ ઉજવણીનો હેતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સમર્પણના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો છે. ‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વેગ આપવા માટે આ યુનિટી માર્ચને નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીમંડળો અને રમતપ્રેમીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળવાની અપેક્ષા છે.

આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલા, સાંસદો, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ, દંડક શીતલ ડાગા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, કોર્પોરેટરો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, કાર્યક્રમ દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા એકતા માટે સમર્પિત સૂત્રોચ્ચાર અને બેનરો સાથે ભાગ લેવામાં આવશે. શહેરના નાગરિકોમાં દેશપ્રેમ, એકતા અને સહકારની ભાવના વિકસે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન ખાસ રીતે કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસ દર વર્ષે 31 ઑક્ટોબરે મનાવવામાં આવે છે, જે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ સાથે જોડાયેલો છે. દેશની અખંડિતતા અને એકતાના પ્રતિક તરીકે સરદાર પટેલની વિભાવના આજે પણ ભારતના દરેક નાગરિકને પ્રેરણા આપે છે.

Back to top button
error: Content is protected !!