
ભેસાણ તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં તા. ૧૯મી જૂને અચૂક મતદાનનો સંકલ્પ કર્યો છે, સાથે જ આ ખેડૂતો અન્ય ખેડૂતોને મતાધિકારનો અચૂક ઉપયોગ માટે પ્રેરિત પણ કરશે ભેસાણ એપીએમસી ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટમેટિક વૉટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન – SVEEP અંતર્ગત આયોજિત મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. હીરાલાલ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને પ્રકૃતિના મહત્વની સાથે મતદાનના મહત્વ વિશે પણ માર્ગદર્શન કર્યું હતું.મહત્વનું છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ SVEEP અંતર્ગત મતદાન જાગૃતિના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન થીમ ઉપર આયોજિત કાર્યક્રમમાં મહિલા ખેડૂતોની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમને રોપા આપીને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તકે કલારંગ નાટ્યમંદિરના ગ્રુપે એક મતથી શું ફેર પડે ? અને દેશની ઉન્નતિની રાહ પર લઈ જવા માટે સાથે મળી અચૂક મતદાન કરીએ તેવા વિચારને કેન્દ્રમાં રાખી મનોરંજક રીતે અવશ્ય મતદાન કરવા માટે પ્રેરક સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે. જે. ભટ્ટે કર્યું હતું.આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી અને SVEEPના નોડલ લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી દિપક રાઠોડ, મદદનીશ ખેતીવાડી અધિકારી શ્રી ગોંડલીયા સહિતના અધિકારીઓ અને ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






