
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા સુબીર ખાતે પશુપાલકો માટે ‘પશુપાલન માં નોંધણી (રેકર્ડ) રાખવાનું મહત્વ’ વિષય અનવ્યે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૪૨ પશુપાલકોએ ભાગ લીધો હતો.
પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા તથા વસુધારા ડેરી, ચીખલીના સયુંકત ઉપક્રમે આયોજીત આ કાર્યક્રમ દૂધ શીત કેન્દ્ર, સુબીર ડાંગ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. જિગર વી. પટેલે (મદદનીશ પ્રાધ્યાપક) પશુપાલકોનું સ્વાગત કરી, પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ડૉ. મહેશ માઢવાતરે (મદદનીશ પ્રાધ્યાપક) પશુપાલનમાં નોંધણી (રેકોર્ડ) રાખવાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ ડૉ. ઉત્સવ સુરતી, (મદદનીશ પ્રાધ્યાપક) રેકર્ડ માટેના વિવધ ફોર્મના માળખા વિસ્તૃત રીતના સમજાવ્યા હતાં. ડૉ. સુનીલ કાપડીએ (પશુચિકીત્સા અધિકારી) પશુપાલકોની નોંધણી કરી તેમજ પશુપાલક પાસેથી જરૂરી માહિતી ભેગી કરી હતી.
તાલીમ ના અંતે, ડૉ. ઉત્સવ સુરતી અને ડૉ. એસ. બી. કાપડી દ્વારા ઉપસ્થિત પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે પશુપાલન વિષય આધારિત સાહિત્યની કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. રાણા રણજીત સિંહ (ઇન્ચાર્જ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. એમ. એમ. ત્રિવેદી (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.





