વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકિયા વિધામંદિર માલેગામ,ગુરૂકુળ શાળા ભદરપાડા,સાંદીપની શાળા સાપુતારા, ચીખલી અને નડગચોંડ તથા ઋતુભંરા કન્યા વિધાલય સાપુતારા ખાતે વિદ્યાર્થીઓએ ગુરૂઓની પૂજા અર્ચના કરી હતી.ડાંગ જિલ્લામાં હજારો વિદ્યાર્થીઓમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર સંતોકબા ધોળકિયા વિધામંદિરનાં સ્થાપક પ.પૂ.પી.પી.સ્વામીજી અને સાંદિપની શાળા સાપુતારાનાં માર્ગદર્શક પૂજ્ય કથાકાર રમેશભાઈ ઓઝાને ગુરુ પૂર્ણિમાનાં દિવસે કેમ કરીને ભુલાય,ગુરૂપૂર્ણિમાનાં પાવન પર્વ નિમિત્તે શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ શિક્ષણરૂપી પથદર્શકોની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.તેમજ વર્ષો પહેલા ડાંગ જિલ્લામાં આદિવાસી કન્યાઓના શિક્ષણ માટે પાયો નાખનાર ઋતુભંરા કન્યા વિધામંદિર સાપુતારાનાં સ્થાપક સ્વ. પૂર્ણિમાબેન પકવાસા જે ડાંગ જિલ્લામાં (દીદી )નાં નામથી પ્રખ્યાત હતા.જે સ્વ.પૂર્ણિમાબેન પક્વાસા (દીદી)નાં ફોટા સમક્ષ વિદ્યાર્થીનીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ એ માર્ગદર્શન બદલ શિક્ષકોનો આભાર વ્યકત કર્યો હતો.તેમજ વિધાર્થીઓએ તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યકત કરી હતી.ગુરૂ પૂર્ણિમાનાં દિવસે ડાંગ જિલ્લાનાં બિલમાળ ખાતે પણ અનેકરૂપી મહારાજનાં દર્શન કરવા દર્શનાર્થીઓની ભીડ જામી હતી.ડાંગ જિલ્લાનાં બિલમાળ ખાતે અર્ધનારેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થીઓએ અનેકરૂપી મહારાજનાં દર્શન કરી ગુરૂની પૂજા અર્ચના કરી હતી..