ડીસાના છત્રાલા ખાતે “પોષણ માસ” અંતર્ગત એક દિવસીય તાલીમ યોજાઈ
25 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના આસ્પી પોષણ અને કોમ્યુનિટી સાયન્સ મહા વિદ્યાલયના વિસ્તરણ શિક્ષણ અને પ્રસારણ વ્યવસ્થા વિભાગ હેઠળ ચાલતા ગ્રામીણ મહિલા તાલીમ અને સશક્તિકરણ કેન્દ્ર દ્વારા ડીસા તાલુકાના છત્રાલા ખાતે “પોષણ માસ” અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં ડો. સિમ્પલ જૈન, મદદનીશ પ્રાધ્યાપકે તાલીમાર્થીઓનું સ્વાગત કરી “પોષણ માસનો હેતુ અને સંતુલિત આહાર” વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તેમણે “માતા અને બાળ પોષણ” અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.આગળના સત્રમાં ડો. નીતા ખંડેલવાલ, મદદનીશ પ્રાધ્યાપકે “જંક ફૂડ અને પેકેટ ફૂડથી થતા નુકસાન” વિષે સમજણ આપી હતી. આ સાથે જ તેમણે “કુપોષણ અને એનીમિયા – ઓળખ, કારણ અને નિવારણ” અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી આપી હતી.બપોર બાદના સત્રમાં ડો. સિમ્પલ જૈન દ્વારા “કુપોષણ નિવારણ માટેની રીતો તથા મહિલાઓની ભૂમિકા” વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થીઓ સાથે ચર્ચા તથા પ્રશ્નોત્તરી સત્રમાં બંને નિષ્ણાતોએ મહિલાઓના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા તથા તેમના મંતવ્યો સાંભળ્યા હતા. આ તાલીમથી મહિલાઓએ સંતુલિત આહાર, માતા-બાળ પોષણ, કુપોષણ નિવારણ અને જંક ફૂડથી બચવાના ઉપાયો અંગે વ્યવહારૂ જ્ઞાન મેળવ્યું હતું તેમજ સ્વસ્થ સમાજ નિર્માણમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકાય તે માટે પ્રેરણા પ્રાપ્ત કરી હતી.