વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે.અને છથી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના સુબીરથી મહાલ તરફ જતા માર્ગ પર, દહેર ગામ નજીક બની હતી. અકસ્માતનો ભોગ બનેલી જીપ ગાડી અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી.આ જીપમાં અંદાજે 20 જેટલા મુસાફરો સવાર હતા,જેઓ મુખ્યત્વે ઈશખંડી ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે.આ ગમખ્વાર અકસ્માતમાં એક 55 વર્ષીય પુરૂષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.જ્યારે અન્ય છ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં તેમની હાલત નાજુક બની હતી.તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમાં નાની-મોટી ઇજાઓ પામેલા અન્ય મુસાફરોને નજીકના સુબીર C.H.C.હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.દુર્ઘટનાની જાણ થતાં જ સુબીર પોલીસ સ્ટેશનનાં પીઆઈ ડી.કે.ચૌધરી અને તેમની સંપૂર્ણ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.સુબિર પોલીસની ટીમે 55 વર્ષીત વૃદ્ધનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરી હતી.હાલમાં સુબિર પોલીસની ટીમે અકસ્માત કયા કારણોસર થયો તેની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ, ગાડીની ગતિ વધુ હોવી કે ડ્રાઇવરે કાબૂ ગુમાવવો, તેવું કોઈ એક કારણ હોઈ શકે છે.હાલમાં સુબિર પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.