
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સાપુતારા ‘મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો. મેઘ મલ્હાર પર્વના ભાગરૂપે તોરણ હિલની સામે આયોજિત ‘સરસ’ મેળાને પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ ખૂલ્લો મૂક્યો હતો. તેમણે અહીં વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહિત કરી હતી.
ગુજરાત રાજ્યમાં ‘સરસ’ મેળાની શરુઆત મેઘ મલ્હાર પર્વના ભાગરૂપે કરાઈ છે. આ મેળા દરમિયાન આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ દંડક-વ-ડાંગનાં ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, કમિશનર ઓફ ટુરિઝમ અને મેનેજીંગ ડિરેકટર સુશ્રી એસ. છાકછુઆકે પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.

સરસ મેળામાં મુખ્યત્વે સ્થાનિક સ્વસહાય જૂથો દ્વારા દેશી મટિરિયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. ગ્રામ્ય વિસ્તારના કલાકારોની કલાત્મક ચીજો રોજગાર સૃજનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ મેળાઓમાં જરૂરી સુવિધાઓ, સહાય ઉપલબ્ધ કરાવી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપે છે. જ્યાં રાજ્યના વિવિધ ૧૪ જિલ્લાના ૫૦ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા પોતાની હસ્તકળાની વિસ્તુઓ જોવા મળે છે.





