GUJARATPANCHMAHALSHEHERA

પોલીસ હેડ ક્વાટર્સ,ગોધરા ખાતે “ઓપરેશન શિલ્ડ” – સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ

તાલીમ કેન્દ્ર ઉપર થયેલ ડ્રોન હુમલામાં સ્થળે ફસાયેલ તમામ લોકોને સજીવન બચાવી લેવાયા

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

**********

*ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી એમ્બ્યુલન્સ મારફત સીવીલ હોસ્પિટલ પહોચાડી તાત્કાલીક સારવાર અપાઈ*

**********

*ગોધરા શહેરના કેટલાક વિસ્તારોમાં સાંજે ૭-૪૫ થી ૮-૦૦ દરમિયાન બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું*

*********

ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ગોધરા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે વિવિધ ડિઝાસ્ટર આધારિત “ઓપરેશન શિલ્ડ” નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી. આ મોકડ્રીલના ઈન્સીડન્ટ કમાન્ડર તરીકે ગોધરાના પ્રાંત અધિકારી શ્રી એન.બી. મોદીએ તમામ જવાબદારી અદા કરી હતી.

આ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ દરમિયાન ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલ તાલીમ કેન્દ્ર ઉપર આતંકી તત્ત્વો દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના સમાચાર મળતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ હતુ. પોલીસ વિભાગની જવાનોની ટુકડીઓ સાથે ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ ઘટના સ્થળે પહોંચીને લગભગ ૩૦-૪૦ મિનિટ સુધી ચાલેલા બચાવ કાર્ય બાદ તાલીમ કેન્દ્રમાં ફસાયેલા ૨૦ જેટલા વ્યક્તિઓને બચાવી લીધા હતાં. આ તકે ઉપસ્થિત પોલીસના જવાનો અને સબંધિત તમામ વિભાગના અધિકારીઓએ અંદર ફસાયેલા વ્યક્તિઓ પૈકીના ૫ જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલીક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બાકીના ૧૫ વ્યક્તિઓને સેફ હાઉસ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક તપાસ કરી, જરૂરી જાણકારી મેળવી જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પોતપોતાના ઘરે જવા દેવામાં આવ્યા હતા.

આ કાર્યવાહીમાં ગોધરા શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા સ્વયંસેવકોએ પણ ઉપસ્થિત સબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સાથે મળીને તમામ ૦૫ ઈજાગ્રસ્તોને દુર્ઘટના સ્થળેથી બહાર લાવી તેમને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે પહોંચાડ્યા હતા. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત દર્દીઓની એમ્બ્યુલન્સ પહોંચતા જ હોસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફ દ્વારા દર્દીઓની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

નોંધનિય છે કે આ મોકડ્રીલનો હેતુ લોક જાગૃતિ માટેનો હોઇ નાગરિક સંરક્ષણના વિવિધ અધિકારીઓ, વિવિધ વિભાગો અને સેવાઓ સાથે સંકલનમાં રહી આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત અને ગોધરા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, સ્ટાફ, સંલગ્ન વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, એમ.જી.વી.સી.એલ., માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, એ.આર.ટી.ઓ., પુરવઠા વિભાગ, તેમજ ફાયરબ્રિગેડ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારી, પોલીસ હેડ ક્વાટર્સ કંપનીના અધિકારી-કર્મચારીઓ તથા ગોધરા શહેર અને તાલુકાના સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર તરીકે નોંધાયેલા લોકો સહભાગી બન્યા હતા.

ઉલ્લેખનીય છે કે ઉક્ત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ બાદ સાંજે ૦૭-૪૫ થી સાંજે ૦૮-૦૦ કલાકના સમય દરમીયાન ગોધરા શહેરના (વોર્ડ નંબર ૦૩) કેટલાંક વિસ્તારોમાં બ્લેકઆઉટ ડ્રીલ યોજાઇ હતી. જેમાં જુના બસ સ્ટેન્ડથી ચર્ચ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર, ચર્ચથી સરદારનગર ખંડ તરફ જતા જમણી બાજુનો વિસ્તાર, સરદારનગર ખંડથી વિશ્વકર્મા ચોક થઈ સિવિલ લાઇન્સ સ્કૂલ તરફ જતાં જમણી બાજુનો વિસ્તાર, સિવિલ લાઇન્સ સ્કૂલથી નગરપાલિકા કચેરી તરફ જતા જમણી બાજુનો વિસ્તાર અને નગરપાલિકા કચેરીથી રામસાગર તળાવથી લાલબાગ ટેકરી અને બસ સ્ટેન્ડ તરફ જતા જમણી બાજુના વિસ્તારમાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિસ્તારના સ્થાનિકો દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!