BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

અધિકારીઓની ગેરહાજરી ને કોન્ટ્રોક્ટરોને ફાઈલ જોવા મોકળું મેદાન!:ભરૂચ પાલિકામાં વિપક્ષ નેતાએ પવડી વિભાગમાં દરોડો પાડ્યો અને ગોબાચારી પકડાઈ, પ્રમુખે કહ્યું- કાર્યવાહી કરાશે

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ નગરપાલિકાના પવડી વિભાગમાં વહીવટી ગોબાચારીનો કિસ્સો સામે આવ્યો છે. સિટી એન્જિનિયર સહિતના અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાકટરો જાતે જ કચેરીમાં બેસીને ફાઈલો તપાસતા હોવાનું ધ્યાને આવ્યું છે. વિપક્ષના નેતાએ અચાનક દરોડો પાડ્યો તેમાં આ વાત સામે આવી હતી. તેમણે કચેરીમાં હાજર કર્મચારીઓને આડે હાથ લીધા હતા. વિપક્ષે ચિંતા વ્યક્ત કરી કે, મહત્વની ફાઈલો કે દસ્તાવેજોની ચોરી થાય તો તેની જવાબદારી કોની? ત્યારે નગરપાલિકા પ્રમુખે જવાબદારો સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું છે.
શહેરમાં ચોમાસાના પ્રારંભે જ મોટાભાગના રસ્તાઓ ખખડધજ બની ગયાં હોવાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. શહેરમાં થોડા સમય પહેલાં જ બનાવાયેલાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયાં છે. રસ્તાઓ બનાવવાની તથા તેના મેઇટેનન્સની જવાબદારી કોન્ટ્રાકટરોની હોય છે અને કોન્ટ્રાકટરો બરાબર કામગીરી કરવાની જવાબદારી પાલિકા સત્તાધીશોની હોય છે પણ ભરૂચ નગરપાલિકામાં ઉંઘી જ સ્થિતિ જોવા મળી રહી છે. નગર પાલિકામાં અતિ મહત્વના ગણાતાં પવડી વિભાગમાં જ સિટી એન્જિનિયર સહિતના અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાકટરો જાતે જ વિવિધ ફાઇલો ચેક કરતાં હોવાનું બહાર આવ્યું છે.
પવડી વિભાગની કચેરીમાં અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાકટરો ફાઇલ તપાસતા હોવાની ફરિયાદ મળતાં વિપક્ષના નેતાએ અચાનક દરોડો પાડયો હતો અને તેમણે કચેરીમાં હાજર કર્મચારીઓનો ઉઘડો લઇ લીધો હતો. વિપક્ષના નેતાએ અધિકારીઓની ગેરહાજરીમાં મહત્વની ફાઇલ કે દસ્તાવેજની ચોરી થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવ્યાં હતાં. બુધવારના રોજ પાલિકામાં બનેલી ઘટના બાદ સત્તાધીશોમાં દોડધામ મચી હતી. પાલિકા પ્રમુખે જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી આપી છે.
આ મામલે પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે,પવડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાકટરો જાતે ફાઇલ ચેક કરી તપાસ કરતાં હોય તે અમારા ધ્યાન પર આવ્યું છે. જે તે અધિકારી સામે અમારે કાર્યવાહી કરવાની છે તે કરીશું અને અમે સૂચના પણ આપી છે કે, આ રીતે કોઇ પણ કાર્ય કરવામાં ન આવે. સ્ટાફની ગેરહાજરીમાં કોઇ ઓફિસ ખોલીને ફાઇલો ચેક કરે આ વાતને ધ્યાનને રાખી યોગ્ય પગલાં ભરવામાં આવશે.
આ અંગે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, ભરૂચ પાલિકા જાણે બોરી બામણીનું ખેતર હોય તેમ અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાકટરો એસી,પંખા ચાલુ કરીને કેબિનોમાં બેસી ફાઇલો જોવે છે, જો તેમાંથી કોઈ પણ કાગળો ગુમ થાય તો તેની જવાબદારી કોની રહશે? પાલિકામાં દરેક ઓફિસમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, અહીંયા નથી. એટલે અહીંયા પણ કેમેરા મુકાય અને યોગ્ય કાર્યવાહી કરાય તેવી માગ કરાઈ છે.

Back to top button
error: Content is protected !!