
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
માંડવી કોલેજના વિદ્યાર્થીઓ માટે આત્મનિર્ભરતા અને રોજગાર કૌશલ્ય તાલીમનું આયોજન
માંડવી(કચ્છ):
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના સપનાને સાકાર કરવા અને કોલેજની વિદ્યાર્થીઓ વૈશ્વિક કક્ષાએ તમામ ક્ષેત્રોની સ્પર્ધામાં સફળતા મેળવે તેવા દુરંદેશી અભિગમ સાથે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સી.એસ.આર. ફંડ હેઠળ નાંદી ફાઉન્ડેશન દ્વારા સોફ્ટ સ્કીલ પ્રોજેક્ટ અંતર્ગત રોજગાર મેળવવાની ચાવી સમાન કૌશલ્ય તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી. કચ્છ જિલ્લાના માંડવીની એસ. વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આયોજિત આ 6 દિવસની તાલીમમાં અંદાજે 80 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.
આ તાલીમમાં નાંદી ફાઉન્ડેશનના નિષ્ણાત ટ્રેનર નીલમબેન શાહ અને હેતલબેન પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ અસરકારક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જૂથકાર્ય, નાટક, પ્રેરક પ્રસંગો, જૂથ ચર્ચા અને પ્રેઝન્ટેશન જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તાલીમાર્થીઓની શક્તિઓ અને મર્યાદાઓનું સ્વ-વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટાઈમ મેનેજમેન્ટ, ગોલ સેટિંગ, બોડી લેન્ગવેજ, મની મેનેજમેન્ટ, વ્યવસાયિક માવજત, નીતિશાસ્ત્ર અને સંદેશા વ્યવહારની કળા શીખવીને વિદ્યાર્થીઓના આંતરિક ભયને દૂર કરી તેમનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે.
સમાપન સત્ર દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશભાઈ બારડે જણાવ્યું હતું કે એમ્પ્લોયીબીલિટી સ્કીલ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ્ય જીવન કૌશલ્ય, વ્યક્તિત્વ વિકાસ, રોજગાર કુશળતા અને ભાષાકીય ક્ષમતામાં સુધારો કરી દેશના યુવાનોની રોજગાર મેળવવાની ક્ષમતામાં વધારો કરવાનો છે. ઉલ્લેખનીય છે કે નાંદી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 23 રાજ્યોની 2 લાખથી વધુ યુવાનોને આવી તાલીમ આપવામાં આવી છે. સમગ્ર તાલીમનું આયોજન મહિલા સેલના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર વિભાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે સમાપન સત્રનું સંચાલન જ્હાનવીબેન રાજગોરે કર્યું હતું. એવું કોલેજના મીડિયા સેલના કન્વીનર તિતિક્ષાબેન ઠક્કરે એક યાદીમાં જણાવ્યું હતું.











વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




