બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સંતરામપુર તાલુકાના ખેરવા મોડેલ સ્કૂલ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન

બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત સંતરામપુર તાલુકાના ખેરવા મોડેલ સ્કૂલ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન
*****
રિપોર્ટર….
અમીન કોઠારી મહીસાગર….
મહીસાગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કેન્દ્ર સરકાર પ્રેરિત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર સંતરામપુર તાલુકાના ખેરવા મોડેલ સ્કૂલ ખાતે યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીનીઓને સાયબર સેફટી, સેલ્ફ ડિફેન્સ અને ‘SHE’ ટીમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દીકરીઓનું સશક્તિકરણ અને તેમની સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી, સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યા, મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેકટર (PSI), સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાંથી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર (ASI), સેલ્ફ ડિફેન્સ ટ્રેનર, ડિસ્ટ્રીકટ મિશન કો-ઓર્ડીનેટર, શાળાના પ્રિન્સિપાલશ્રી, જેન્ડર સ્પેશિયાલિસ્ટ તેમજ અન્ય અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ અને નિષ્ણાતોની ઉપસ્થિતિથી વિદ્યાર્થીનીઓને સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન મેળવવાનો અવસર મળ્યો હતો.
સેમિનાર દરમિયાન, મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા મહિલા કલ્યાણ અને સુરક્ષા સંબંધિત મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. સામાજિક કાર્યકર સોનલબેન પંડ્યાએ દીકરીઓએ પોતાના જીવનમાં ધ્યાનમાં રાખવાની થતી અગત્યની બાબતો પર ભાર મૂક્યો હતો. વધુમાં, મહિલા પોલીસ સ્ટેશનના PSI દ્વારા ‘SHE’ ટીમ અંગેની સચોટ જાણકારી પૂરી પાડવામાં આવી હતી, જે દીકરીઓની સુરક્ષા માટે એક તાત્કાલિક સહાય વ્યવસ્થા છે. સેલ્ફ ડિફેન્સ ટ્રેનર દ્વારા દીકરીઓને સ્વ-રક્ષણની ટેકનિકોનું ડેમોસ્ટ્રેશન કરીને વ્યવહારુ જ્ઞાન આપવામાં આવ્યું હતું.
ખાસ કરીને સાયબર સુરક્ષાના વધતા મહત્વને ધ્યાનમાં રાખીને, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ASI દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગમાં રાખવાની મહત્વની બાબતો અંગે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીનીઓ સાયબર ક્રાઈમના બનાવોથી પોતાનું રક્ષણ કરી શકે. કાર્યક્રમના સમાપન પર, ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અન્વયે જાગૃતિ ફેલાવવાના હેતુથી IEC સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન મહીસાગર જિલ્લામાં દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.



