
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા ‘સર્જનાત્મક યુવા પ્રવૃત્તિઓ મહોત્સવ’ અંતર્ગત વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓ યોજાશે.
જૂનાગઢ સ્થિત તાજ મંજીલ, ઓપેરા હાઉસના સંગ્રહાલય પરિસર ખાતે તા.૧૪ ઓગસ્ટ સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.૦૦ વાગ્યા દરમિયાન આઝાદી પર્વ ક્વિઝ, વેશભૂષા સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ત્રિરંગી કલાકૃતિ સર્જન, બોર્ડ સુશોભન તથા તોરણ બનાવવાની સ્પર્ધા થશે.
આ સ્પર્ધામાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકશે. વેશભૂષા સ્પર્ધામાં ૪ થી ૧૩ વર્ષના બાળક ભાગ લઇ શકશે. આઝાદી પર્વ અંતર્ગત વેશ પરિધાન કરવાનો રહેશે. રંગોળી, બોર્ડ તથા કલાકૃતિ શણગાર માટે તમામ જરુરી ચીજ વસ્તુઓ સંગ્રહાલય તરફથી આપવામાં આવશે. આમ છતાં વધારે શણગાર કરવા કોઈ ઇચ્છે તો પોતાની વસ્તુઓ લાવી શકે છે. તમામ સ્પર્ધાના પરિણામ તા.૨૧ ઓગસ્ટ ના જાહેર કરવામાં આવશે. સ્પર્ધા માટેની વિગતો તથા નિયમો અને રજિસ્ટ્રેશન માટે મો.નં. ૮૩૨૦૦ ૮૨૭૪૨ નો સંપર્ક કરવા સંગ્રહાલયનાં ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 





