GUJARATPANCHMAHALSHEHERA

ગોધરા સિવિલ હોસ્પિટલના આર્થોપેડીક તબીબે થાપાના હાડકાના સડાથી પીડાતા ૨૮ વર્ષીય યુવાનની સફળ સર્જરી કરી

૫ વર્ષથી પથારીવશ યુવાનનો ૩ ઇંચ ટૂંકો પગ ઓપરેશન બાદ સરખો થયો

 

પ્રતિનિધિ ગોધરા તા.19

 

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાની સિવિલ હોસ્પિટલના હાડકાના વિભાગે મેડિકલ ક્ષેત્રે એક પ્રશંસનીય સિદ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલના હાડકાના નિષ્ણાત સર્જન ડૉ. અભિરાજ પટેલ અને તેમની ટીમ દ્વારા એક 28 વર્ષીય યુવાનના થાપાના સાંધાનું સફળ હિપ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. આ યુવાન છેલ્લા ૫ વર્ષથી ચાલવા-ફરવામાં અસમર્થ હતો.

 

 

આ યુવાન AVN ગ્રેડ-૪ નામની બીમારીથી પીડાતો હતો. આ બીમારીમાં થાપાના હાડકાના ગોળાકાર ભાગને મળતું લોહી બંધ થઈ જાય છે જેના કારણે હાડકું અંદરથી કોહવાઈ જાય છે અને ધીમે-ધીમે બેસી જાય છે. આ સ્થિતિને કારણે દર્દીનો એક પગ બીજા પગ કરતા આશરે ૩ ઇંચ જેટલો ટૂંકો થઈ ગયો હતો અને થાપાનો સાંધો સાવ જામ થઈ ગયો હતો.

 

દર્દી છેલ્લા ૫ વર્ષથી અસહ્ય દુખાવો સહન કરતો હતો. તે ટેકા વગર ચાલી શકતો ન હતો અને પગ ટૂંકો થઈ જવાથી ભારે લંગડાશ અનુભવતો હતો. સામાન્ય દવાઓ કે કસરતથી તેને કોઈ જ આરામ મળતો ન હતો. નાની ઉંમર હોવાથી આ કેસ તબીબો માટે એક મોટો પડકાર હતો.

 

ડૉ. અભિરાજ પટેલે અત્યંત જટિલ ગણાતી ટોટલ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરી હતી. આ ઓપરેશનમાં માત્ર થાપાનો સાંધો જ બદલવામાં આવ્યો નથી પરંતુ કુશળતાપૂર્વક પગની લંબાઈ વધારીને 3 ઇંચનો તફાવત પણ દૂર કરવામાં આવ્યો છે. ઓપરેશનના બીજા જ દિવસે દર્દીને વૉકરની મદદથી ચલાવવામાં આવ્યો હતો. હવે તેના બંને પગ સરખા થઈ ગયા છે અને દુખાવામાં સંપૂર્ણ રાહત મળી છે.

 

આ અંગે ડૉ. અભિરાજ પટેલે જણાવ્યું કે, “નાની ઉંમરે જ્યારે થાપાના હાડકાનો સડો છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય ત્યારે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી આશીર્વાદરૂપ બને છે. યોગ્ય ટેકનિકથી કરવામાં આવેલી આ સર્જરી બાદ દર્દી ફરીથી પોતાના વ્યવસાય અને સામાન્ય જીવનમાં પરત ફરી શકે છે.”

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ડૉ. અભિરાજ પટેલ અગાઉ જિલ્લામાં પ્રથમ વખત ૩D ટેકનોલોજીથી ઘૂંટણનું ઓપરેશન કરી ચૂક્યા છે. સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને સ્ટાફે આ સફળતા બદલ ડૉક્ટરની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

Back to top button
error: Content is protected !!