AHAVADANGGUJARAT

Dang:સાપુતારા સહીત અન્ય પ્રવાસન સ્થળોએ ઝરમરીયા વરસાદી માહોલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ગિરિમથક સાપુતારા ખાતે શનિરવીની રજાઓને લઈને પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાતા ઠેરઠેર હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા…

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ એક સપ્તાહથી સંતાકુકડી રમી રહ્યો છે.હાલમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક ઝરમરીયો વરસાદ તો ક્યાંક હળવો તડકો જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લામાં વરસાદની સંતાકૂકડી વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યુ છે.સાથે હાલમાં નદીઓ તેમજ જંગલ વિસ્તારનાં નાના મોટા જળધોધ સક્રિય બનતા પ્રકૃતિને ચાર ચાંદ લાગી જવા પામ્યા છે.ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમ્યાન ચોતરફ કુદરતી સૌંદર્ય મધમધી ઊઠ્યુ છે.જેને પગલે પ્રવાસીઓએ ડાંગ તરફ દોટ મૂકી છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિની રજાઓને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.શનીવારે સાપુતારા ખાતે ઝરમરીયા વરસાદી માહોલ વચ્ચે પ્રવાસીઓની ભીડ જામતા હોટલો, હોમસ્ટે, બંગલા,ટેન્ટ રિસોર્ટ સહિત સરહદીય વિસ્તારમાં આવેલ હથગઢની હોટલોમાં પણ હાઉસફુલનાં પાટિયા ઝૂલી ઉઠ્યા હતા.સાપુતારા ખાતે મોન્સૂનની સીઝનમાં ધંધાર્થીઓનાં બખા થઈ જવા પામ્યા છે.શનિવારે સાપુતારાનાં સ્વાગત સર્કલ,રોઝ ગાર્ડન,મ્યુઝિયમ, માછલી ઘર,વન કવચ, ટેબલ પોઈંટ,સનરાઈઝ પોઈંટ,સ્ટેપ ગાર્ડન,બોટીંગ, એડવેન્ચર પાર્ક સહિતનાં સ્થળોએ પ્રવાસીઓની ચિક્કાર ભીડ જામી હતી.સાથે સાપુતારાનાં પાર્કિંગનાં સ્થળો પણ વાહનોથી ઊભરાયા હતા.સાપુતારા ખાતે ઝરમરીયો વરસાદની વચ્ચે સમયાંતરે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સાપુતારા ઘાટમાર્ગ તથા ટેબલ પોઈંટ જતા માર્ગે સમયાંતરે ટ્રાફિક જામની સ્થિતિ વણસી હતી.જોકે સાપુતારા પી. એસ.આઈ.એન.ઝેડ.ભોયા અને નોટિફાઈડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસર સાગર મોવાલીયા અને નાયબ મામલતદાર પ્રવિણસિંહ પરમારની ટીમે દિવસભર જહેમત ઉઠાવતા ટ્રાફિક હળવો થયો હતો.ગિરિમથક સાપુતારા સહીત ડોન હિલ સ્ટેશન, વઘઇ બોટનીકલ ગાર્ડન,ગીરાધોધ વઘઇ, શબરીધામ સુબિર, ગીરમાળનો ગીરા ધોધ તેમજ અન્ય જોવાલાયક સ્થળોએ પણ પ્રવાસીઓની ભીડ જામતા આ તમામ સ્થળો કીકીયારીથી ગુંજી ઉઠ્યા હતા..

Back to top button
error: Content is protected !!