કલેકટરશ્રી એસ.કે.પ્રજાપતિની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઇ
2,56,797 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ,2021 થી 2025 સુધીમાં.

વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,મહેસાણા
કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતિની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક કૃષિના વધારે પ્રચાર પ્રસાર કરવા પર ભાર મૂક્યો હતો તેમજ જિલ્લાવાસીઓને પ્રાકૃતિક શાકભાજી, ફળફળાદી તેમજ અનાજ મળે તે માટે સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રયત્નો બાબતે પણ જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. હસરત જૈસ્મિને પણ પ્રાકૃતિક કૃષિ વેચાણ વ્યવસ્થા તેમજ મોડલ ફાર્મ બાબતે અને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ બાબતે પણ જરૂરી સુચનો કર્યા હતા. આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તેજલબેન શેઠે પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત ફેબ્રુઆરી 2025 સુધી થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી
આ બેઠકમાં કલેકટરશ્રી સમક્ષ પાંચ ગ્રામ પંચાયત દિઠ ક્લસ્ટર બેઝ તાલીમ કૃષિ અન્વયે થયેલ કામગીરીનો વિગતવાર રિપોર્ટ, મોડેલ ફાર્મ તૈયાર કરવા બાબતે તેમજ કૃષિ વેચાણ વ્યવસ્થા, જીવામૃત ઘન જીવામૃત સહાય યોજના બાબત, દેશી ગાય નિભાવ ખર્ચ યોજનાની કામગીરી તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને ‘આત્મા’ કચેરી દ્વારા નેચરલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ દ્વારા દ્વારા કરવામાં આવતી કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં 29230 ખેડૂતો અંદાજિત 12276 એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા છે તેમજ વર્ષ 2023 – 24 અને વર્ષ 2024- 25 માં પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમ અંતર્ગત કરાયેલ ખરીફ અને રવિ તાલીમ વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ દિન સુધી વર્ષ 2021 થી લઈને ફેબ્રુઆરી 2025 સુધી કુલ 2,56, 797 ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ છે. આ બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી મહેસાણા, બેચરાજી, કડી અને જોટાણા તાલુકાના લાયઝન અધિકારીશ્રીઓ નાયબ બાગાયત અધિકારીશ્રી, ઊંઝા, મહેસાણા, વિસનગર અને વિજાપુરના લાયઝન અધિકારીશ્રીઓ અને વિજાપુર પેટા વિભાગ મદદનીશ ખેતી નિયામક તેમજ વિસ્તરણ અધિકારીશ્રી શૈલેષભાઈ પટેલ , ખેતી અધિકારી શ્રી એલ. કે. પટેલ સહિત જિલ્લા સંયોજકશ્રી રમેશભાઈ સુથાર હાજર રહ્યા હતા.



