
વાત્સલ્યમ્ સમાચાર,
મુંદરા-કચ્છ.
🔥 કચ્છના ઉમેદવારો સાથે અન્યાય: ટેટ પરીક્ષાનું કેન્દ્ર 400 કિલોમીટર દૂર અમદાવાદ ફાળવાતા આક્રોશ
મુંદરા, તા. 10 : ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 21 ડિસેમ્બરની ટેટ 1 પરીક્ષા માટે કચ્છના હજારો ઉમેદવારોને 400 કિલોમીટર દૂર અમદાવાદ કેન્દ્ર ફાળવવાનો નિર્ણય લેવાતા સમગ્ર જિલ્લામાં ભારે આક્રોશ ફેલાયો છે. ભૂતકાળમાં રાજકોટ કેન્દ્ર ફાળવાતું હતું પરંતુ આ વખતે શિક્ષણ વિભાગનું મંત્રીપદ કચ્છના નેતા પાસે હોવા છતાં ઉમેદવારોને વધુ સજા કરતા હોય તેમ સીધા અમદાવાદ ધકેલી દેવાયા છે. ઉમેદવારો આ નિર્ણયને કચ્છ વિરુદ્ધની નીતિ અને સ્થાનિક શિક્ષણ પ્રત્યેની ઘોર બેદરકારી તરીકે જોઈ રહ્યા છે. આ નીતિના કારણે કચ્છને કાયમી પરીક્ષા કેન્દ્ર ન આપવાની રાજ્ય સરકારની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
🚌 હોલ ટિકિટ આંચકો : 8 કલાક ઊભા ઊભા મુસાફરીની યાતનાનો ભય :
હોલ ટિકિટ ડાઉનલોડ થતાની સાથે જ ઉમેદવારોમાં નિરાશા છવાઈ ગઈ છે. ભૂતકાળના કરુણ અનુભવોને આધારે ફરી એકવાર એ જ ભય સતાવી રહ્યો છે કે બસોમાં ૮ કલાક સુધી ઊભા ઊભા મુસાફરી કરવાની અસહ્ય યાતના સહન કરવી પડશે. એડવાન્સ બુકિંગ કરાવી લેનારા થોડા ઉમેદવારો સિવાયના બાકીના ઉમેદવારોને તો હવે બસ ફૂલ થઈ જતા “ઘેટાં-બકરાં” ની જેમ ઠસોઠસ ભરાઈને ઉભા ઉભા જ મુસાફરી કરવાની નોબત આવશે. પરીક્ષા પહેલાં જ વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે થાકી જશે જેના પરિણામે તેમની સફળતાની શક્યતાઓ ઘટી જાય તે સ્વાભાવિક છે.
📉 શિક્ષણ પર ગંભીર ફટકો : કચ્છની શાળાઓમાં અસ્થિરતાનું ચક્ર ફરી મજબૂત બનશે
આ નિર્ણયનો સૌથી મોટો ફટકો લાંબા ગાળે કચ્છના શિક્ષણના પાયા પર પડશે. સ્થાનિક ઉમેદવારો મુશ્કેલી અને થાકને કારણે નિષ્ફળ જાય અને અન્ય જિલ્લાનાં ઉમેદવારો વધુ પ્રમાણમાં પસંદ થાય તો ફરી તે જ જૂની પરિસ્થિતિ સર્જાશે. બહારથી આવતા શિક્ષકો કચ્છમાં આવ્યા પછી થોડા જ સમયમાં “જિલ્લા બદલી”નું ગાણું ગાતાં થઈ જશે અને ગમે તે પ્રકારે જિલ્લા બદલી કરાવી પણ લેશે જેથી શાળાઓમાં શિક્ષણની સ્થિરતા ક્યારેય નહીં આવે. કચ્છના પાયાના શિક્ષણના સ્તરને સતત નીચે ધકેલી દેતું આ ચક્ર ફરી એકવાર મજબૂત બનવાનો ગંભીર ખતરો ઊભો થયો છે.
📢 કાયમી કેન્દ્ર ન આપવા સામે સવાલ : સરકારની નીતિ પર રોષ
વર્ષો સુધી માગણી કરવા છતાં કચ્છને કાયમી પરીક્ષા કેન્દ્ર ન આપવાની રાજ્ય સરકારની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. યુવાનોના હિતમાં આટલું મૌલિક પગલું લેવા માટે પણ સરકાર તૈયાર ન હોવાથી યુવાનો અને પ્રબુદ્ધ નાગરિકોમાં ઉગ્ર રોષ છે. કચ્છના વિદ્યાર્થીઓ સ્પષ્ટ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો કચ્છના યુવાનોને ન્યાય આપવાની સરકારની મનોદશા જ ન હોય તો કચ્છને રાજ્યનો દરજ્જો આપી દે તો કચ્છી પ્રજા લડી લેશે!
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




