
રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
મુંદરામાં ‘સ્વદેશી દિવાળી મેળા’ને નગરજનોનો જબરજસ્ત પ્રતિસાદ: સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન સાથે ‘લોકલ ફોર ગ્લોબલ’ સંકલ્પ સાર્થક
મુંદરા, તા. 17 : આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત મુંદરાના રોટરી હોલ ખાતે મુંદરા બારોઈ નગરપાલિકા, મુંદરા શહેર ભાજપ, મુંદરા શહેર યુવા ભાજપ અને નવજીવન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘મુંદરા સ્વદેશી દિવાળી મેળા’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ‘મેડ ઇન મુંદરા – લોકલથી ગ્લોબલ સુધી’ના ધ્યેય સાથે યોજાયેલ આ મેળાને નગરજનોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો જેનાથી સ્થાનિક કારીગરો અને મહિલા ઉદ્યોગ સાહસિકોને મોટું પ્રોત્સાહન મળ્યું.
ગુરૂવારના રોજ સવારે ૧૦ થી સાંજે ૭ વાગ્યા સુધી યોજાયેલા આ મેળામાં ૩૦ જેટલા વ્યવસાયિકોએ ભાગ લીધો હતો. જેમણે હાથથી બનાવેલી વિવિધ સ્વદેશી વસ્તુઓ પ્રદર્શિત કરી હતી. મેળામાં હેન્ડમેડ દીવડા, રંગોળી, રમકડાં, મોતી વર્ક, ભરત-ગુંથણના નમૂના, મીઠાઈઓ, ચોકલેટ, હર્બલ, આર્યુવેદિક અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ જેવી અનેક વસ્તુઓનું વેચાણ થયું હતું.
‘ગોબર ટુ ગ્લોબલ’ સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર:
મેળાનું મુખ્ય આકર્ષણ ‘ગોબર ટુ ગ્લોબલ’ સ્ટોલ રહ્યો હતો જ્યાં ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલી વિવિધ પર્યાવરણ-અનુકૂળ વસ્તુઓ જેવી કે તોરણ, છાણાના દીવડા, ધૂપ, માળા, મૂર્તિ અને કિચન જેવી પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી હતી. આ વસ્તુઓ ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે તેવા દાવાને નગરજનોએ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ ગણીને આવકાર્યો હતો.
સ્વદેશી પ્રોડક્ટ્સની વૈશ્વિક માંગ:
આજે ભારતીય સ્વદેશી વસ્તુઓ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી માંગ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગ્લોબલ વિઝનને કારણે ગાયના ગોબરમાંથી બનેલી આ વસ્તુઓ હવે ઑનલાઇન પ્લેટફોર્મ્સ પર પણ વેચાતી જોવા મળે છે જેણે ખરેખર ‘ગોબર ટુ ગ્લોબલ’ સૂત્રને સાર્થક કર્યું છે. મેળામાં પ્રદર્શિત આ ઉત્કૃષ્ટ કારીગરીને કારણે સ્થાનિક મહિલા કારીગરોને તેમના ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે લઈ જવાનું પ્રોત્સાહન મળશે.
નગરજનોનો અભિપ્રાય:
સાંજના સમયે મેળામાં નગરજનોની ભારે ભીડ જોવા મળી હતી. જેમણે સ્વદેશી વસ્તુઓની મોટા પ્રમાણમાં ખરીદી કરીને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. મુંદરામાં સૌપ્રથમવાર આ પ્રકારના આયોજન બદલ નગરજનોએ આયોજકોને ખુશી સાથે અભિનંદન પાઠવ્યા હતા. જોકે ઘણા લોકોને મેળા અંગે પૂરતો ખ્યાલ ન હોવાથી અને હાલમાં વેકેશનનો સમય હોવાથી લોકોએ દિવાળી પહેલાં વધુ એક વખત આવા સ્વદેશી મેળાનું આયોજન કરવાની માંગ કરી છે જેથી વધુમાં વધુ મહિલા મંડળો અને વ્યવસાયિકોને તેમની વસ્તુઓના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે.
વ્યવસાયિકોને નિઃશુલ્ક પ્રોત્સાહન:
આયોજકો દ્વારા મેળામાં ભાગ લેનાર તમામ વ્યવસાયિકોને વિનામૂલ્યે સ્ટોલ પૂરા પાડવામાં આવ્યા હતા અને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજન ‘લોકલ ફોર ગ્લોબલ’ના સૂત્રને મુંદરામાં મૂર્તિમંત કરનારું બની રહ્યું.
નગરજનોની માંગણીને ધ્યાનમાં રાખીને આયોજક સંસ્થાઓ દિવાળી પૂર્વે વધુ એક સ્વદેશી મેળાનું આયોજન કરીને સ્થાનિક સ્વદેશી વસ્તુઓના ઉત્પાદકોને બળ પૂરું પાડે તેવી લોકમાંગ છે.






વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




