
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – જિલ્લામાં બોગસ કંપનીઓ મારફતે કરોડોની કરચોરીનું કૌભાંડ.!!! મોડાસાની મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિકની ધરપકડ
ધનસુરા, માલપુર, મોડાસા ની કેટલીક કંપનીઓ પણ રડારમાં હોવાની શક્યતાઓ, મલાઈ ખાઈ ને બની ગયા કરોડપતિ , મોડાસામાં નામ ચીન કુટવેર ધરાવતા વેપારી ની પણ ચર્ચાઓ જામી
અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર આર્થિક પ્રવૃત્તિઓના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારોના લાખો રૂપિયાનું નુકસાન થયાની ઘટનાઓ બાદ હવે જિલ્લામાં બોગસ કંપનીઓ સ્થાપીને કરોડો રૂપિયાની કરચોરી કરવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે.
સેન્ટ્રલ જીએસટી ગાંધીનગર કમિશનરેટના અધિકારીઓએ રૂ. 17.5 કરોડની ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) લેવાયાના ગંભીર કેસમાં મોડાસાની મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતીક પટેલની ધરપકડ કરી તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.મળતી માહિતી અનુસાર, મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝ સામે લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે કંપનીના માલિકે પોતાના પરિવારજનો તથા નજીકના મિત્રોના નામે અનેક બોગસ કંપનીઓ ઉભી કરી, જેમાં કોઈપણ પ્રકારની માલસામાનની હેરાફેરી કર્યા વિના માત્ર બોગસ બિલો ઇશ્યુ કરીને ખોટી રીતે ITC મેળવી હતી.તપાસમાં રોયલ ઇન્ડસ્ટ્રીઝ,ખુશ ઇન્ડસ્ટ્રીઝ,રોયલ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ,ભાગ્યોદય એન્ટરપ્રાઇઝ સહીત 10 થી વધુ બોગસ કંપનીઓ બનાવાઈ હોવાની વિગતો સામે આવી છે.આ તમામ કંપની ઓ દ્વારા માલ વિના માત્ર કાગળ પર લેવડદેવડ દર્શાવી કરોડો રૂપિયાની ITC લેવાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
સેન્ટ્રલ જીએસટી ગાંધીનગર કમિશનરેટના અધિકારીઓએ પૂરતા પુરાવાના આધારે પ્રતીક પટેલની ધરપકડ કરી તેમને મોડાસાની કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે તપાસ આગળ વધતાં કૌભાંડની રકમ રૂ. 20 કરોડથી વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.બીજી તરફ, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કૌભાંડના તાર માલપુર GIDC અને ધનસુરા ખાતે આવેલી એક કંપની સુધી જોડાયેલા હોવાની શક્યતા છે. સાથે જ અમરેલીના એક વેપારીએ મોડાસા GIDCમાં કંપની સ્થાપી રાતોરાત કરોડપતિ બન્યા હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. મોડાસા શહેરના એક નામચીન કુટવેર વેપારી સાથેના સંભવિત સંબંધોને લઈ પણ ચર્ચાઓ ચાલી રહી છે.સૂત્રો મુજબ થોડા સમય પહેલા માલપુર GIDCમાં રેડ કરવામાં આવી હતી, પરંતુ ભારે રકમ આપી મામલો થાળે પાડવામાં આવ્યો હોવાની ચર્ચાઓ જિલ્લામાં વહેતી થઈ છે. જોકે આ બાબતે કોઈ અધિકૃત પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી.સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક તંત્ર તથા જવાબદાર વિભાગોની ભૂમિકા અંગે અનેક સવાલો ઊભા થયા છે. હાલ સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા સમગ્ર મામલે વિગતવાર તપાસ ચાલુ રાખવામાં આવી છે.




