ગોધરાના પઢીયાર ગામે ₹24 લાખના ખર્ચે શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું

પ્રતિનિધિ ગોધરા તા.29
નિલેશભાઈ દરજી શહેરા
વિદ્યાર્થીઓને સુવિધા મળે તે હેતુથી ₹2.50 લાખના ખર્ચે મધ્યાહન ભોજન માટે શેડનું પણ નિર્માણ કરાશે
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગામે આવેલી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી ₹24 લાખના ખર્ચે તૈયાર થનાર નવીન ઓરડાનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે મધ્યાહન ભોજન માટે ₹2.50 લાખના ખર્ચે શેડનું પણ નિર્માણ કરવામાં આવશે. જેનાથી લાંબા સમયથી પડતી ઓરડાની ઘટની સમસ્યાનો અંત આવશે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર અને જિલ્લા પંચાયત સભ્ય મણીબેનના હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ચેરમેને જણાવ્યું હતું કે, જો ગામમાં શિક્ષણ અને આરોગ્યની ઉત્તમ સુવિધાઓ હોય તો જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય છે. શાળામાં ઓરડાની ઘટ દૂર થતા વિદ્યાર્થીઓ હવે વધુ સારી રીતે અભ્યાસ કરી શકશે.
જિલ્લા પંચાયત સભ્ય મણીબેને પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “આ ગ્રાન્ટ મારી નથી, પરંતુ જે જનતાએ મત આપ્યા છે તેમની છે. લોકોની સુવિધા માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવો એ મારી નૈતિક ફરજ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે શાળાની લાંબા સમયની માંગણી સંતોષાતા હવે બાળકોને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમાર, જિલ્લા પંચાયત સભ્ય મણીબેન શાળાના આચાર્યા કમળાબેન માછી, સી.આર.સી., એસ.એમ.સી. કમિટીના સભ્યો, ગામના સરપંચ, સ્થાનિક વડીલો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





