GUJARATNANDODNARMADA

નર્મદા જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામના બંદિવાનને મુક્ત કરાયા

નર્મદા જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા પાકા કામના બંદિવાનને મુક્ત કરાયા

 

નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે સજામુક્ત થયેલા સોમાભાઈને શ્રીમદ ભગવદ ગીતા આપી સ્વસ્થ જીવન જીવવાની શુભેચ્છા પાઠવી

 

આજીવન કેદની સજા કાપી રહેલા કેદીના વર્તણૂંક અને જીવનમાં આવેલા બદલાવને ધ્યાને લઈને જેલ સમિતિની ભલામણોને ધ્યાને લઈ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જેલમુક્તિનો આદેશ કરાયો

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના બંદિવાન અને મૂળ ભરૂચ જિલ્લાના પઠાર ગામના વતની વસાવા સોમાભાઈ નાથુભાઈની સજા પૂર્ણ થતાં તેઓની વર્તણૂંસ સારી જણાતા જેલ સલાહકાર સમિતિની ભલમાણ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને જેલર એ.બી.પરમાર સહિત જિલ્લા લિગલ સેલની ટીમની ઉપસ્થિતિમાં આ કેદિને મુક્ત કરવામાં આવ્યા હતા.

પાકા કામના બંદિવાનની મુક્તિ વેળાંએ હાલ જેલમાં સજા કાપી રહેલા અને મોટી સંખ્યામાં નાની ઉંમરનાં કેદીઓને જોતાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, નાની ઉંમરે ક્ષણિક ગુસ્સામાં આવીને કરેલી ભૂલના કારણે આજે જે પરિસ્થિતનું નિર્માણ થયું છે તેને ભૂલીને ભવિષ્યમાં સારા જીવનના વિચાર સાથે જેલમાં પણ સારી વર્તણૂંક રાખીએ, ભગવદ ગીતાનો અભ્યાસ કરી તેને જીવનમાં ઉતારીએ. ભૂતકાળને ભૂલીને ભવિષ્યમાં વધુ સારું શું કરી શકીએ તે માટેની પ્રેરણા લઈએ. જેલમાંથી છૂટીને બહારની દુનિયા સાથે કેવી રીતે સારૂં વર્તન કરીને રહીએ તેના વિચારો સાથે સ્વરોજગારની દિશામાં આગળ વધીએ, તેના માટેની તાલીમો પણ અહીં આપવામાં આવતી હોય છે. અહીંનું વાતાવરણ ખૂબ સારું છે જેથી પોતે જ પોતાની જાતને સુધારી અપરાધને ભૂલવા માટે સારા કાર્યો કરીએ જેનાથી સમાજ અને રાષ્ટ્ર માટે પણ આપણે મદદરૂપ થઈ શકીએ તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.

 

જિલ્લા જેલ તંત્ર દ્વારા જણાવ્યા મુજબ જેલમાંથી સજા પૂર્ણ કરી મુક્ત થઈ રહેલા બંદિવાન સોમાભાઈ નાથુભાઈ વસાવા જેઓ ઈ.પી.કો.ની 302 કલમ મુજબના ગુનામાં વર્ષ-2009માં વાલિયા પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં કસુરવાર ઠર્યા હતા. તેમને એડિશનલ સેશન્સ કોર્ટ ફાસ્ટટ્રેક ભરૂચની અંકલેશ્વર કોર્ટ દ્વારા ડિસેમ્બર-2010માં આજીવન કેદની સજા કરવા સાથે રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. સોમાભાઈ વસાવાને ભૂજની પાલારાવ જેલમાંથી 30 જુલાઈ 2018ના રોજ નર્મદા જિલ્લા જેલ ખાતે લાવવામાં આવ્યા હતા.

 

જિલ્લા જેલમાં આજીવન કેદની સજા કાપવા સાથે સોમાભાઈ વસાવાએ જેલમાં રહીને ખેતી કામમાં અગ્રતા રાખી હતી. સાથે જેલની બહાર આવી સામાન્ય જીવન જીવી શકે તે માટે જેલ તંત્ર દ્વારા આપવામાં આવતી ડેરી ફાર્મિંગ, વર્મિ કમ્પોસ્ટ અને સિવણની તાલીમ પણ પૂર્ણ કરી છે. જેલવાસના સમયગાળા દરમિયાન જેલની ખેતીવાડીનું સંપૂર્ણ સુપરવિઝન પણ કરતા હતા. તેઓની વર્તણૂંક અને જીવનમાં આવેલા બદલાવને ધ્યાને લઈને જેલ તંત્ર દ્વારા જેલ સલાહકાર સમિતિ સમક્ષ તેઓની સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરી જેલમુક્ત કરવા અંગે તા.26 જુન 2024ના રોજ કેસ મૂક્યો હતો. જેલ સમિતિની ભલામણોને ધ્યાને લઈ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જેલમુક્તિનો આદેશ કર્યો હતો.

 

જેલવાસના સમયગાળા દરમિયાન સોમાભાઈ વસાવાએ કરેલી કામગીરીના વળતર પેટે કુલ રૂપિયા 1.50 લાખની રકમ તેમને ચૂકવવામાં આવી હતી. જેથી જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ મુખ્ય પ્રવાહ સાથે ભળીને સામાન્ય જીવન નિર્વાહ કરી શકે. આ તબક્કે જિલ્લા લિગલ સેલના ઓફિસરએ પણ તેમને આશ્વાસન આપવા સાથે કોઈ કુટિર ઉદ્યોગ અથવા તેમના હુનર પ્રમાણે કોઈ ધંધો-વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો બેન્ક લોન અને સહાયની પ્રક્રિયા માટે જિલ્લા ન્યાય સંકુલમાં આવેલા લિગલ સેલનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!