પાલનપુરની ૧૧ વર્ષીય દીકરી સનાયાએ નેશનલ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું

10 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
નેશનલ શોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલની સિધ્ધિ પ્રાપ્ત કરતી પાલનપુરની દીકરી સનાયા
પાલનપુરની સી.બી.ગાંધી નૂતન પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતી ૧૧ વર્ષીય વિદ્યાર્થીની સનાયા નાદીરહુસેન સિંધીએ નેશનલ સ્તરે કરાટે ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસલ કરીને બનાસકાંઠા સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે નેશનલ શોટોકન કરાટે એસોસિયેશન ઇન્ડિયા દ્વારા આયોજિત ૧૦મી નેશનલ શોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપ ૨૦૨૫માં સનાયાએ શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સનાયાએ કાટા ઇવેન્ટ અંડર ૧૧-૧૨માં ગોલ્ડ તેમજ કુમીતે ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી રાજ્ય માટે ગૌરવ વધાર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાલનપુરની દીકરી સનાયાએ ગત વર્ષે આણંદ ખાતે યોજાયેલા ૯મા નેશનલ શોટોકન કરાટે ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપ ૨૦૨૪માં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આમ, સનાયાએ સતત બીજા વર્ષે નેશનલ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને પોતાની પ્રતિભા અને મહેનતનો પરિચય આપ્યો હતો. તેમના પિતા નાદીર હુસેન સિંધીએ જણાવ્યું કે, તેમની દીકરી સનાયા ગુજરાતમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ તેમજ ભવિષ્યના ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે સજ્જ બની રહી છે. આ માટે તે સતત મહેનત અને પ્રેક્ટિસ કરી રહી છે. તેમણે બનાસકાંઠા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.





