Rajkot: રાજકોટની એકાઉન્ટન્ટ જનરલ કચેરી દ્વારા ૧૮થી ૨૨ નવે. દરમિયાન ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી

તા.૧૭/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ઓડિટ વોક, સ્વચ્છતા અભિયાન તેમજ રંગોળી, ચિત્ર, નિબંધ જેવી સ્પર્ધાઓ યોજાશે
Rajkot: કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના ભારતીય ઓડિટ અને એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટની એકાઉન્ટન્ટ જનરલશ્રીની કચેરી-રાજકોટ દ્વારા ૧૮મી નવેમ્બરથી ૨૨મી નવેમ્બર દરમિયાન શ્રી હિમાંશુ ધર્મદર્શી ડાયરેક્ટર જનરલ iCal અને શ્રી આર કે સોલંકી એકાઉન્ટન્ટ જનરલ (એકાઉન્ટ) અને શ્રી અનુભવસિંહ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) ના માર્ગદર્શન અંતર્ગત ‘ઓડિટ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવનાર છે, તેમજ ‘સ્વચ્છતા અભિયાન’ હેઠળ ત્રણ મહત્વની ઝુંબેશ ઉપરાંત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
‘સ્વચ્છ ભારત મિશન’ હેઠળ સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા તથા સુશાસનના ભાગરૂપે એ.જી. ઓફિસની પારદર્શિતા અને જવાબદારીને ઉજાગર કરવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
જે અંતર્ગત, તા. ૧૮મી નવેમ્બરે ઓડિટ શપથ લેવાશે. ઉપરાંત આ જ દિવસે સાંજે પાંચથી સાત, જિલ્લા પંચાયત ચોકથી કિસાન પરા ચોક સુધી (એક લેન)માં નાયબ એ.જી. શ્રી વી.બી. બાગુલની રાહબરીમાં સ્વચ્છતા અભિયાન યોજાશે. તા. ૧૯મીએ સ્વચ્છતા કાર્યક્રમ અંગે વર્કશોપ યોજવામાં આવશે. તા. ૨૦મીએ સવારે ૧૧ કલાકે સ્લોગન સ્પર્ધા તથા સાંજે ૪ કલાકે રંગોળી સ્પર્ધા યોજવામાં આવશે.
તા.૨૧મીએ સવારે ૬.૩૦થી ૯ દરમિયાન નાયબ એ.જી. શ્રી ડેનીસ ડેનિયલની રાહબરીમાં, એ.જી. ઓફિસથી લઈને કિસાનપરા, મહિલા કોલેજ, રાષ્ટ્રીય શાળા, મોટી ટાંકી, ફૂલછાબ ચોક થઈને એ.જી. ઓફિસ સુધીની ‘ઓડિટ વોક’ યોજાશે.
તા. ૨૧મીએ સવારે ૧૧.૩૦ કલાકે નાયબ એ.જી. શ્રી સંતોષ ખેડકરની રાહબરીમાં નિબંધ સ્પર્ધા યોજાશે. જ્યારે સાંજે ૪ કલાકે ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું છે.
તા. ૨૨મીએ ઓડિટ અને એકાઉન્ટ ઓફિસની વિવિધ વિંગમાં રંગોળી કરવામાં આવશે. ઉપરાંત કચેરીના આંતરિક વિભાગો દ્વારા સ્વચ્છતા સ્પર્ધા યોજાશે. તા.૨૨મીએ સાંજે ૪ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સમાપન સમારોહ યોજાશે, તેમ નાયબ એકાઉન્ટ જનરલ-વહીવટ શ્રી ડેનીશ ડેનિયલની યાદીમાં જણાવાયું છે.


