હાલોલ નગર પાલિકના ચીફ ઓફિસર તેમજ જીપીસીબી નું સંયુક્ત ઓપરેશન,અંદાજિત 30 ટન ઉપરાંતનો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૨.૨૦૨૫
એક માસ અગાઉ ઉધૌગિક વિસ્તાર માંથી 16 જેટલી કંપનીઓમાં થી કરોડો રૂપિયાનો પ્રતિબંધિત હજારો કિલો પ્લાસ્ટિક જથ્થો ઝડપી પાડ્યા બાદ આજે ફરી એકવાર હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ (સિંગલ યુઝ) નું ઉત્પાદન કરતી 2 ફેક્ટરીઓમાં નગરપાલિકા ના ચીફ ઓફિસર અને તેઓની ટીમ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ હાલોલ એકમ ને સાથે રાખી શુક્રવારના રોજ છાપો મારતા અંદાજિત 30 ટન ઉપરાંતનો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજિત રૂપિયા 30 લાખનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરતાં આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આજે શુક્રવાર ના રોજ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેઓની ટીમ સાથે સ્વચ્છતા નિરીક્ષણ ની કામગીરી દરમિયાન નગરમાં પર્યાવરણ માટે હાનિકારક એવા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ ની હેરાફેરી કરતા એક ટ્રાન્સપોર્ટરને પકડ્યો હતો. તેની પાસેથી એક હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો.જેને લઇ ચીફઓફિસરે વધુ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું. કે હાલોલ નગરમાં જ બે મોટી ફેક્ટરીઓમાં આ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓની ઉત્પાદન ચાલી રહ્યું છે.જેથી સમગ્ર હકીકતથી વાકેફ થયા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક જીપીસીબીના અધિકારીઓને આ બાબત થી વાકેફ કરી બોલાવવામાં આવ્યા હતા.તેમજ કાર્યવાહી કરવા માટે હાલોલ પોલીસને પણ સાથે રાખી મળેલી માહિતી વાળી જગ્યાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક કેરી બેગ (સિંગલ યુઝ) નું ઉત્પાદન કરતી 2 ફેક્ટરીઓમાં સંયુક્ત રીતે છાપો મારતા ફેક્ટરીઓમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો અંદાજિત 30 ટન ઉપરાંતનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.જ્યારે ઝડપી પાડવામાં આવેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને હાલોલ પાલિકા ભવન ની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે હાલમાં એકત્રિત કરી રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જ્યારે આ કાર્યવાહી બાદ આ કંપનીઓ સામે જીપીસીબી હાલોલ એકમ દ્વારા કાયદેસરની કાર્યવાહી ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જીપીસીબી હાલોલ એકમ દ્વારા જણાવાઈ રહ્યું છે.








