ભરૂચમાં ગુડ ફ્રાઇડેની ઉજવણી:ઈસુ ખ્રિસ્તના બલિદાનની યાદમાં ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાયે ગુડ ફ્રાઇડેની ઉજવણી કરી હતી. આ દિવસે પ્રભુ ઈસુએ માનવજાત માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. સમગ્ર જિલ્લાના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ. જગદીશ ખ્રિસ્તીએ પ્રભુ ઈસુના બલિદાન વિશે સંદેશ આપ્યો હતો. તેમણે દેશ, દુનિયા અને ભરૂચ શહેર માટે પ્રાર્થના કરી હતી. બંબાખાના સીએનઆઈ ચર્ચ અને કેથલિક ચર્ચ સહિતના તમામ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી.
ગુડ ફ્રાઇડે એટલે કે ભલા શુક્રવારે ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર ચઢાવવામાં આવ્યા હતા. શારીરિક યાતનાઓ બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ દિવસે ખ્રિસ્તી સમુદાયના લોકો ઉપવાસ રાખે છે. તેઓ ચર્ચમાં જઈને ભક્તિસભામાં જોડાય છે. પ્રભુ ઈસુએ માનવજાતના પાપોના પ્રાયશ્ચિત માટે પોતાનો જીવ આપ્યો હતો. આ બલિદાનને યાદ કરી ખ્રિસ્તી સમુદાય વિશેષ પ્રાર્થના કરે છે.