નર્મદા : એકતાનગર જંગલ સફારીમાં નિકો, સૂઝી અને એમિલિયા જોવા મળશે, બુદ્ધિમાન ત્રણ ચિંપાન્ઝી આકર્ષણ વધારશે
આફ્રીકન રેઇન ફોરેસ્ટના ‘રતન’ ચિમ્પાંજીનું એકતા નગર બનશે “વતન” ૨૨ જુન ૨૦૨૫ – વર્લ્ડ રેઇન ફોરેસ્ટ ડેના અવસરે પ્રવાસીઓ નિહાળી શકશે.
રાજપીપળા : જુનેદ ખત્રી
એકતા નગરમાં “સ્ટેટ ઓફ ધી આર્ટ” સરદાર પટેલ ઝુલોજિકલ પાર્ક(જંગલ સફારી)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. જંગલ સફારી એ માત્ર પ્રાણી-સંગ્રહાલય નથી પરંતુ આ પ્રકલ્પ માનવી અને પ્રકૃતિના સંબંધને પુન:સ્થાપિત કરવાનો મહત્વનો સેતુ છે, અહિંયા પ્રવાસીઓ વન્યજીવોને તેમના પ્રાકૃતિક નિવાસમાં નિહાળી શકે છે અને તેની સાથે તેમના જીવન,સ્વભાવ અને ઇકો-સિસ્ટમથી ઉંડાણપૂર્વકના જોડાણનો અનુભવ પણ થાય છે.
આગામી ૨૨ જુનથી જંગલ સફારી ખાતે નવો રોમાંચક અને શૈક્ષણિક આયામ જોડાઇ રહ્યો છે. વન્યજીવોમાં અત્યંત બુદ્ધિમાન અને સામાજિક પ્રાણી “ચિમ્પાંજી” સફારી પરીવારના મહત્વના સભ્ય બન્યા છે.આ “ચિમ્પાંજી” પ્રાકૃતિક રીતે આફ્રીકાના રેઇન ફોરેસ્ટના જંગલોમાં વસવાટ કરે છે જેથી જંગલ સફારી ખાતે ખાસ રેઇન ફોરેસ્ટ વાળા વાતાવરણ વાળા પિંજરૂ તૈયાર કરવામાં આવી છે.
તા. ૨૨ જુને આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસની ઉજવણી થવાની છે અને “ચિમ્પાંજી આફ્રીકાના રેઇન ફોરેસ્ટમાં વસવાટ કરે છે જેથી રેઇન ફોરેસ્ટના સંરક્ષણના ધ્યેય સાથે આ દિવસથી જ પ્રવાસીઓ ૩ “ચિમ્પાંજી” જોઇ શકશે.
“ચિમ્પાંજી” સંયુકત આરબ અમીરાતના અબુધાબી સ્થિત કેપીટલ ઝૂ એન્ડ વાઇલ્ડલાઇફથી તા. ૨૩/૨/૨૦૨૫ના રોજ ભારતમાં લાવવામાં આવ્યા છે જેમાં ૧ નર અને ૨ માદા “ચિમ્પાંજી”નો સમાવેશ થાય છે.તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તા.૭/૪/૨૦૨૫ના રોજ એકતા નગર ખાતે લાવવામાં આવ્યા છે. સ્થાનિક વાતાવરણ સાથે અનુકુલન સાધે અને એનિમલ કીપર્સ સાથે સારા વર્તાવ માટે સૌપ્રથમ વિશેષ સુવિધા ધરાવતી જગ્યાએ રાખવામાં આવ્યા હતા, “ચિમ્પાંજી” માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલ વિશાળ પિંજરૂ તૈયાર કરવામાં આવેલ છે જેમાં આફ્રીકાના ઘનઘોર રેઇન ફોરેસ્ટનું વાતાવરણ તૈયાર કરવામાં આવેલ છે.સ્થાનિક વાતાવરણ અને એનિમલ કીપર સાથે અનુકુલન સાધ્યા બાદ આ ખાસ પિંજરામાં પ્રાયોગિક ધોરણે લઇ જવામાં આવી રહ્યા છે, અને સમગ્ર વિસ્તારને ત્રણે “ચિમ્પાંજી”એ અપનાવી લીધો છે.આ ખાસ પિંજરાના નિર્માણ વેળાએ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ હતુ કે જે, “ચિમ્પાંજી” તેમના જૈવિક,માનસિક અને સામાજિક આવશ્યકતાઓને અનુરૂપ છે.
*“જંગલ સફારીના ત્રણ ““ચિમ્પાંજી” -નિકો, સુઝી અને એમિલીયાને જાણો…*
એકતા નગર ખાતે લાવવામાં આવેલ ત્રણ “ચિમ્પાંજી” -નિકો, સુઝી અને એમિલીયા હવે એક પરીવારના સભ્ય બની ચુક્યા છે.પ્રત્યેક “ચિમ્પાંજી”નું અનેરુ વ્યક્તિત્વ છે જે પ્રવાસીઓનું દિલ જીતશે. માદા “ચિમ્પાંજી” સુઝી ઉંમરમાં સૌથી નાની છે અને સ્વભાવે જિજ્ઞાશુ છે. સુઝીને શોધખોળ કરવી અને હિંચકા પર ઝુલવુ અને રમકડાથી રમવુ પસંદ છે.તેનો મળતાવડો અને સૌમ્ય સ્વભાવ તેના કેરટેકર ક્મ એનિમલ કીપરની સૌથી લાડલી બનાવે છે.તે હંમેશા પોતાના સાથી “ચિમ્પાંજી” સાથે રહેવાનું પસંદ કરે છે અને તેમની સંગતમાં આરામ મહેસુસ કરે છે.
નિકો જંગલ સફારીના એક્માત્ર નર “ચિમ્પાંજી” હોવાના કારણે સ્વાભાવિક આગેવાન છે, હંમેશા સતર્ક રહીને આજુબાજુ તમામ તરફ નજર બનાવી રાખે છે,ખાસ કરીને પ્રવાસીઓ જે તરફ ઉભા હોય તે તરફ પોતાની ચકોર નજર બનાવી રાખે છે.પોતાના પરિવારની સુરક્ષાની જવાબદારી હોવા સાથે તેને માદા સુઝી “ચિમ્પાંજી”ની બાજુમાં બેઠેલો દેખાય છે.નિકો હોશિંયાર છે અને પોતાની આસપાસ થતી હલચલ અને બદલાવ પર પોતાની પ્રતિક્રિયા આપે છે.
સૌથી મોટી માદા “ચિમ્પાંજી” એમીલિયા ખુબ મજબુત,આત્મવિશ્વાસી અને સ્વતંત્ર સ્વભાવની છે.તે હંમેશા પરીવાર માટે ભોજન એકત્ર કરવાનું પસંદ છે જેમાં વડના વૃક્ષના ફળ અને પાંદડા જે તેનું મનપસંદ ખોરાક છે, તે “ચિમ્પાંજી” પરીવાર ને સંતુલિત અને શાંતિપૂર્ણ રાખવા માટે મહત્વની ભુમિકા ભજવે છે.
નિકો, સુઝી અને એમિલિયા એકસાથે મળીને બતાવે છે કે, “ચિમ્પાંજી” કેટલા બુદ્ધિમાન,ભાવુક અને સામાજીક હોય છે,તેમનું બંધન એ યાદ અપાવે છે કે, તેમની દેખભાળ અને સંરક્ષણ કેટલુ મહત્વનું છે.