
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ: માલપુરમાં એક કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ, રસ્તાઓ પર પાણીનો કહેર
અરવલ્લી જિલ્લામાં સાંજ પછી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. મોડાસા અને માલપુરમાં સાંબેલાધાર વરસાદ થયો છે. ખાસ કરીને માલપુરમાં તીવ્ર વરસાદના કારણે એક કલાકમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.માલપુરના મુખ્ય રાજમાર્ગો પર લગભગ પાંચ ફૂટ પાણી ભરાતા ટ્રાફિકને ભારે અડચણ આવી છે. મેઈન બજાર અને બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનો આગળ બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. માલપુર-ગોધરા સ્ટેટ હાઇવે પર પણ પાણી ભરાયા છે, જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વિજળીના કડાકા સાથે વરસાદના લીધે માલપુરમાં અંધારપટ છવાઈ ગયો હતો. મોડાસાના સાકરીયા, માથાસુલીયા જાલોદર અને ફરેડી ગામોમાં પણ મજબૂત વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગે હજુ વધુ વરસાદની ચેતવણી આપી છે, તેથી સ્થાનિક વાસીઓએ સાવચેતી રાખવાની તાકીદ કરવામાં આવી છે.




