કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી વરસાદથી પ્રભાવિત નવસારી જિલ્લાના બે ગામોની મુલાકાત લીધી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આદિજાતી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ.જયરામભાઈ ગામીત નવસારી જિલ્લાના દાંતેજ અને પ્રતાપપોર ગામની મુલાકાત લીધી*
*પ્રભાવિત વિસ્તારના ખેડૂતોને સહાય સમયસર ચુકવાઇ અને યોગ્યરીતે સર્વે હાથ ધરવા મંત્રીશ્રીઓએ સુચના આપી*
નવસારી,તા.૨૮: કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા નવસારી જિલ્લાના દાંતેજ તથા પ્રતાપપોર ગામ ખાતે આદિજાતી વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડ્યન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ગામના ખેતરોની મુલાકાત લીધી હતી. ગામની મુલાકાત વેળા ખેડૂતો અને સ્થાનિકો આગેવાનો સાથે પાક નુકસાની અંગે ચર્ચા કરી હતી. મંત્રીશ્રીઓએ લોકોના ખેતરોની અંદર જઇ પાકનુ નિરિક્ષણ કર્યું હતું.
આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીઓએ પ્રભાવિત ખેડૂતોના ખભે લાગણી ભર્યો હાથ મુકી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે ખેડૂતોને કુદરતી આપત્તિમાં બેઠા કરવા માટે કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાન માટે થયેલ નુકસાની ભરપાઈ કરવા સહાય આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વરસાદથી થયેલા નુકશાની અને સહાય વિતરણ અંગે સતત નોંધ લેવામાં આવી રહી છે. નવસારી જિલ્લામા નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય સમયસર ચુકવાઇ અને યોગ્યરીતે સર્વે હાથ ધરવા મંત્રીશ્રીઓએ સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. મંત્રીશ્રીએ આગામી દિવસોમા સતત કાળજી રાખી કમોસમી વરસાદથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક હજી પણ ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બન્ને મંત્રીશ્રીઓએ ગામની મુલાકાત દરમિયાન ખેડૂતના ખેતર પર જઈને પાકની નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ તકે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, મહાનગરપાલિકાના કમિશ્નર દેવ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.





