Jasdan: જસદણ નગરપાલિકાના પ્રશ્નોની સમીક્ષા કરતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.૯/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મુકવા અધિકારીઓને સૂચના
Rajkot, Jasdan: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે અધિકારીશ્રીઓની બેઠક યોજાઇ હતી, જેમાં નગરપાલિકાના પ્રશ્નોની મંત્રીશ્રીએ સમક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નગરપાલિકા વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નો, ભૂગર્ભ ગટરના પ્રશ્નો, નલ સે જલ, રિવરફ્રન્ટ, બ્રિજ, ગરીબ પરિવારને આવાસ બનાવવા માટે પ્લોટની ફાળવણી, વીજળી, સફાઈ, રસ્તા સહિત પ્રશ્નો અંગે મંત્રીશ્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા કરી પ્રશ્નોનું તુરંત નિરાકરણ લાવવા સૂચના આપી હતી.
બેઠકમા મંત્રીશ્રી બાવળીયાએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, નાગરિકોની સુખાકારીમાં વધારો કરવો તે આપણા સૌની જવાબદારી છે, કોઈ કર્મચારી જન સેવાના પ્રશ્નો બાબતે બેદરકાર જણાય તો તેમને નોટિસ આપવા સહિત પગલાં ભરવા, ઉપરાંત જાહેર કામોમાં જો કોઈ કોન્ટ્રાક્ટર બેદરકારી રાખે, નબળી ગુણવત્તાની કામગીરી કરે તો તે કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં ભરવા ઉપરાંત તેમને બ્લેક લિસ્ટમાં મુકવા સહિત કડક કાર્યવાહી કરવા મંત્રીશ્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.
છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચે, ગરીબ પરિવારનું જીવન ધોરણ સુધરે અને તેઓ વિકાસના પથ પર આગળ વધી શકે તે માટે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તે ઇચ્છનીય છે તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.
બેઠકમા પ્રાંત અધિકારીશ્રી ગ્રિષ્મા રાઠવા, મામલતદાર અને નગરપાલિકાના વહીવટદારશ્રી એમ.ડી.દવે, ચીફ ઓફિસરશ્રી સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.