શહેરા તાલુકાના ભોટવા ગામેથી લીલા તાજાં પંચરાઉ લાકડા ભરેલ ટ્રક ઝડપાઇ
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામેથી પસાર થઈ રહેલો લીલા તાજાં પંચરાઉ લાકડાં ભરેલો એક ટ્રક શહેરા વન વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
શહેરના વન વિભાગને મળેલી બાતમીના આધારે, પરિક્ષેત્ર વન અધિકારી આર. વી. પટેલના માર્ગદર્શન હેઠળ પાનમ રોડ તરફ જતા ભોટવા ગામ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન, ટ્રક નંબર GJ-17-Y-9917 ને ઊભો રાખીને તેમાં ભરેલા લાકડા અંગે પાસ પરમિટ માંગવામાં આવી હતી. ટ્રક ચાલક દ્વારા કોઈપણ પ્રકારની માન્ય પાસ પરમિટ રજૂ કરવામાં ન આવતા, વન વિભાગના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી ટ્રકને અટકાવ્યો હતો.
ઝડપાયેલા ટ્રકમાં લીલા અને તાજા પંચરાઉ જાતના લાકડાં મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૪ લાખ ૫૦ હજારના છે. વન વિભાગે આ મુદ્દામાલને જપ્ત કરીને આગળની તપાસ માટે શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં મૂક્યો છે.
આ કાર્યવાહી દરમિયાન એસ. બી. માલીવાડ, રાઉન્ડ ફોરેસ્ટર, શહેરા, કે. આર. બારીઆ, બીટ ગાર્ડ, શેખપુર, ડી. એસ. પટેલીયા, કમ્પાર્ટમેન્ટ ગાર્ડ, શેખપુર વન વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા:
વન વિભાગ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપનારા અને વહન કરનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.