
ગરવા ગિરનારને સર કરવા ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તા.૪-૧-૨૦૨૬ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી.જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરશ્રીએ, ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરમાંથી આવનાર સ્પર્ધકોને રહેવા-જમવાની સુવિધાઓ માટે પૂર્વ તૈયારીઓની જાણકારી મેળવી હતી. ઉપરાંત જોખમી ગણાતી આ સ્પર્ધામાં સ્પર્ધકોને ત્વરિત જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે એમ્બ્યુલન્સ અને પુરતી મેડિકલ ટીમ તૈનાત રહે તે માટે પણ જરૂરી સૂચનાઓ આપી હતી.આ બેઠકમાં સ્પર્ધાને અનુલક્ષીને સાફ સફાઈ, વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે, ગિરનાર સીડી રીપેરીંગ સહિતની બાબતે કલેક્ટરશ્રીએ સૂચનાઓ આપી હતી.ઉલ્લેખનીય છે કે, ૧૮મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા ફેબ્રુઆરી માસની પહેલી તારીખે યોજાનાર છે, ત્યારે તેના આયોજન અંગે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.અખિલ ગુજરાત ગિરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા માટે રાજયભરમાંથી કુલ ૧૩૭૭ સ્પર્ધકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સિનિયર ભાઈઓ -૬૧૧, જુનિયર ભાઈઓ -૩૪૬, સિનિયર બહેનો -૧૬૬ અને જુનિયર બહેનો -૨૫૪ એમ મળી કુલ – ૧૩૭૭ સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું છે.આ બેઠકમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ ગિરનાર આરોહણ સ્પર્ધાની પૂર્વ તૈયારીઓની વિગતો રજૂ કરી હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, પુરવઠા અધિકારી કીશન ગળચર,ડીવાયએસપી હિતેષ ધાંધલીયા,નાયબ કમીશનર ડી.જે.જાડેજા સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




