છાવા ફિલ્મનો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવીને સિનેમાના સ્ક્રીનનો પરદો ફાડી નાખ્યો હતો.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના બ્લ્યુશીપ કોમ્પલેક્ષમાં આવેલી આર.કે સિનેમા ટોકીઝમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. છાવા ફિલ્મનો શો ચાલી રહ્યો હતો ત્યારે એક યુવકે અચાનક હોબાળો મચાવીને સિનેમાના સ્ક્રીનનો પરદો ફાડી નાખ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી જયેશ મોહનભાઈ વસાવા નામનો યુવક ફિલ્મ જોવા આવ્યો હતો. ચાલુ ફિલ્મ દરમિયાન તે અચાનક ઉશ્કેરાયો અને સ્ક્રીનના સ્ટેજ પર ચઢી ગયો. થિયેટરમાં હાજર અન્ય પ્રેક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બૂમાબૂમ કરી, પરંતુ યુવકે કોઈનું સાંભળ્યું નહીં અને પરદો ફાડવાનું ચાલુ રાખ્યું.
ઘટના દરમિયાન હાજર પ્રેક્ષકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. થિયેટરના મેનેજરે તરત જ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી જયેશ વસાવાની અટકાયત કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાએ સિનેમાઘરમાં હાજર તમામ લોકોને ચોંકાવી દીધા હતા.