GUJARATKUTCHMUNDRA

મુન્દ્રામાં રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિર: વરસાદ વચ્ચે 59 લોકોનો ઉમદા સહયોગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા. 23: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની મુન્દ્રા શાખા દ્વારા રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર રાજયોગિની દાદી પ્રકાશમણીજીના 18મા પુણ્યતિથિ ‘વિશ્વ બંધુત્વ દિવસ’ નિમિત્તે યોજાઈ હતી. મુન્દ્રાના રોટરી હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વરસાદ વચ્ચે 59 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ કાર્યક્રમનો શુભારંભ બ્રહ્માકુમારી સુશીલાદીદી, નગર અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સચિનભાઈ ગણાત્રા, નગરપાલિકાના દંડક દિલીપભાઈ ગોર અને અદાણી ફાઉન્ડેશનના કિશોરભાઈ ચાવડાએ દીપ પ્રાગટ્ય કરીને કર્યો હતો.

રક્તદાન કરનાર દરેક દાતાને બ્રહ્માકુમારી સંસ્થા તરફથી પ્રમાણપત્ર અને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ભુજ રેડ ક્રોસ સોસાયટીના ડો. હાર્દિક વાઘેલા અને તેમની ટીમ જેમાં નવીન જેપા અને મહેશ સુથારનો સમાવેશ થાય છે, તેમણે તબીબી સેવાઓ પૂરી પાડી હતી. આ સાથે બ્રહ્માકુમારી વર્ષાબેન, હેતલબેન અને મુકેશ સોલંકીએ પણ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કરે કર્યું હતું.

આ શિબિરને સફળ બનાવવા માટે નગરપાલિકા, આરોગ્ય તંત્ર, રોટરી ક્લબ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને અદાણી ફાઉન્ડેશન સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓનો સહયોગ પ્રશંસનીય રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 25મી ઓગસ્ટ સુધી ચાલનારી આ રાષ્ટ્રીય ઝુંબેશ અંતર્ગત દેશભરના 6,000થી વધુ બ્રહ્માકુમારી કેન્દ્રોમાં 1 લાખથી વધુ લોકો રક્તદાન કરશે, જેનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સમાવેશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ભગીરથ કાર્યમાં મુન્દ્રાના 59 રક્તદાતાઓનું યોગદાન અમૂલ્ય સાબિત થશે અને તેઓનું નામ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત થવાનું ગૌરવ પ્રાપ્ત થશે.

Back to top button
error: Content is protected !!