નવસારી: આવો શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ, RTE હેઠળ જિલ્લાના ૧૩૬૩ બાળકોને શાળાપ્રવેશ કરાયો..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*નવસારી જિલ્લાના ૧૩૬૩ બાળકોએ ૧૬૨ ખાનગી શાળાઓમાં RTE એક્ટ–૨૦૦૯ અંતર્ગત શાળાપ્રવેશ કરાયો*
*વર્ષ-૨૦૨૦થી ૨૦૨૫ સુધી કુલ ૫૯૪૬ વિદ્યાર્થીઓ RTE એક્ટ હેઠળ ભણતર પ્રાપ્ત કરી રહ્યા છે.*
નવસારી તા.૨૭: સંકલન વૈશાલી પરમાર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે. જેમાંથી એક છે- શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેણવણી મહોત્સવ. બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે હેતુથી અનેકવિધ શૈક્ષણીક યોજનાઓ લાગુ કરવામાં આવી હતી જેમાં Right to Education Act વર્ષ ૨૦૦૯ લાગુ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫માં RTE એક્ટ-2009 હેઠળ ૧૩૬૩ જેટલા વિધાર્થીઓને શાળા પ્રવેશ મેળવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા નવસારી પ્રાથમિક શિક્ષણ અધિકારી ડૉ.અરુણકુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫માં ૧૬૨ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં માટે કુલ ૨૨૮૧ અરજીઓ મળી હતી. તે પૈકી વિદ્યાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ અત્યાર સુધી ૧૩૬૩ જેટલા વિધાર્થીઓને બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ૧૬૨ શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ પુરા થયા બાદ એકદંરે ૧૩૬૩ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. જે માટે વિદ્યાર્થી દીઠ રૂ. ૩૦૦૦ લેખે કુલ- રૂ|.૪૦૮૯૦૦૦-/- લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા નજીકના સમયગાળામાં ચુકવવામાં આવશે. જ્યારે શાળાઓને રૂ|.૧૩૬૭૫/- લેખે ફી પરત ચુકવણી પેટે રૂ|. ૧૮૬૩૯૦૨૫/- લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવશે.
*બોક્ષ-*
નવસારી જિલ્લામાં RTE એક્ટ હેઠળ વર્ષ-૨૦૨૦માં કુલ ૯૮૨ બાળકો, વર્ષ-૨૦૨૧માં કુલ ૧૧૪૪ બાળકો, વર્ષ-૨૦૨૨માં કુલ ૧૦૮૦ બાળકો અને વર્ષ-૨૦૨૩માં કુલ ૬૬૯ બાળકો, વર્ષ-૨૦૨૪માં ૭૦૯ વિદ્યાર્થીઓ અને વર્ષ-૨૦૨૫માં કુલ ૧૩૬૩ બાળકો આમ, નવસારી જિલ્લામાં વર્ષ-૨૦૨૦થી ૨૦૨૫ સુધી કુલ ૫૯૪૬ વિદ્યાર્થીઓ સરકારશ્રીની જનસંવેદના સભર યોજના હેઠળ ભણતર પ્રાપ્ત કર્યું છે.
*RTE એક્ટ હેઠળ મળતા લાભો*
*- RTE એક્ટ હેઠળ ગુજરાત રાજ્યની તમામ પ્રાઈવેટ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવે છે.*
*-ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.*
*-શાળાની કુલ બેઠકોની 25% બેઠક અનામત રાખીને બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.**-પ્રાઈવેટ સ્કૂલ એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને ફી ભરવાની હોતી નથી.*
*-બાળકોને મફતમાં એડમિશન આપવામાં આવે છે.*
બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૩ થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. “શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ” ધ્યેય સાથે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આરંભ થતા ‘શાળા, શિક્ષક અને શિક્ષણ’ની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારવામાં નવસારી જિલ્લા તંત્ર પણ કટીબધ્ધ છે