પાનમ ડેમના દરવાજા ખુલ્યા ૪૧૫૪ ક્યુસેક પાણી છોડાયું પંચમહાલ-મહીસાગર જિલ્લાઓ એલર્ટ પર
પાનમ ડેમનું લેવલ જળવાતા વધારાનું પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના

પ્રતિનિધિ શહેરા તા 29
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમ જળાશયમાં પાણીની સપાટી તેના નિયંત્રિત સ્તરની નજીક પહોંચી ગઈ ભારે વરસાદને કારણે વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડેમનો એક દરવાજો 1થી 3 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવ્યું. જેના પરિણામે અંદાજે 1,383 ક્યુસેકથી લઈને 4,154 ક્યુસેક સુધીનું પાણી પાનમ નદીમાં વહેશે. જરૂરિયાત મુજબ પાણીનો પ્રવાહ વધારવામાં પણ આવી શકે છે.
પાનમ ડેમની જળ સપાટી હાલમાં 127.15 મીટર નોંધાઈ છે, જે તેના રૂલ લેવલ 127.21 મીટરની ખૂબ જ નજીક છે. આથી, ડેમમાં પૂરનું સંચાલન કરવા અને સલામતી જાળવી રાખવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
પાનમ નદીમાં પાણી છોડવાના કારણે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના નીચાણવાળા વિસ્તારો અને ગામો પ્રભાવિત થવાની શક્યતા છે. વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્ત ગામોની યાદી તૈયાર કરીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉંડારા, મોર અને બલુજીના મુવાડા જેવા ગામો તથા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાથજીના મુવાડા, નવા મુવાડા અને જેસિંગપુર જેવા ગામો પ્રભાવિત થશે. આ ઉપરાંત, સંતરામપુર અને ખાનપુર તાલુકાના પણ કેટલાક ગામોનો સમાવેશ થાય છે.
પાનમ ડેમ પૂર નિયંત્રણ કક્ષના ડ્યુટી ઓફિસર દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.






