Rajkot: મનરેગા’’ શ્રમિકોની આરોગ્ય ચકાસણી સાથે ઓ.આર.એસ. અને છાશ વિતરણ કરાયા

તા.૨૪/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લામાં ૨૦૪ ગ્રામ પંચાયતમાં ૪૫૩ કામો ચાલુ, ૪,૧૦૫ શ્રમિકોને અપાઇ રહેલી રોજગારી
Rajkot: રાજકોટ શહેર તેમજ જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુ દરમ્યાન અસહ્ય ગરમીને કારણે શ્રમિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજયસરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ત્યારે ‘‘મનરેગા’’ યોજના હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ કામગીરી કરતા શ્રમિકોની તબિયતનો ખ્યાલ પણ રાખવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા આજરોજ રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ગઢકા ગામે કાર્યરત શ્રમીકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. વિભાગના નિયામકશ્રી એ.કે. વસ્તાણી અને ટીમ દ્વારા શ્રમિકોને છાસ વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી શ્રમિકોને હીટવેવ સામે રક્ષણ મળે તેમજ ડીહાઇડ્રેશન જેવી મુશ્કેલી ન થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય શ્રમિકોને રોજગારી મળે અને ગ્રામ્ય અર્થતંત્ર ધબકતું થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટના ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા નિયામકશ્રી દ્વારા રાજકોટ જિલ્લાના તમામ તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામો શરૂ કરવામાં આવ્યાં છે.
નિયામકશ્રીએ જણાવ્યાં મુજબ હાલ મનરેગા યોજના જિલ્લામાં ૨૦૪ ગ્રામ પંચાયતમાં વ્યક્તિગત અને સામૂહિક કુલ ૪૫૩ કામો ચાલુ છે. જેમાં ૪,૧૦૫ શ્રમિકો શ્રમદાન થકી રોજગારી મેળવી રહ્યા છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આંનદુ સુરેશ ગોવિદ દ્વારા મનરેગા યોજના હેઠળ ગ્રામ્યકક્ષાએ વધુને વધુ લોકો રોજગારીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




