વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૯ જુલાઈ : અદાણી ફાઉન્ડેશને અદાણી હોસ્પિટલના સહયોગથી અંતરિયાળ વિસ્તારના લોકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કર્યુ હતું. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક લોકોને સુલભ, ઉચ્ચ-ગુણવત્તાવાળી તબીબી સેવાઓ પૂરી પાડવાનો હતો, જેમાં સમયસર નિદાન, સારવાર અને મફત દવાઓ તેમજ મોતિયાની શસ્ત્રક્રિયા જેવી ખાસ સારવાર આપવામાં આવી હતી. બહોળી સંખ્યામાં સ્થાનિકોએ આ મેડિકલ કેમ્પમાં હાજર રહી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.“પહેલું સુખ તે જાતે નર્યા“ એ સૂત્ર સાર્થક કરતા અદાણી જૂથ દ્વારા સમયાંતરે વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અદાણી હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંદ્રાની આસપાસના અંતરિયાળ ગામોનાદર્દીઓ માટે મલ્ટી સ્પેશિયાલીટી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓનું નિદાન તેમજ દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકો અને વૃદ્ધો સહિત ૪૫૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશીએ અદાણી ફાઉન્ડેશન અને અદાણી હોસ્પિટલ દ્વારા સમયાંતરે આયોજીત થતા આરોગ્યલક્ષી કાર્યોને બિરદાવ્યા હતા. અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ પંક્તિબેન શાહે જણાવ્યુ હતું કે ” જરૂરિયાતમંદોને મફત મોતિયાની શસ્ત્રક્રિયા અને આવશ્યક દવાઓ પ્રદાન કરવાનો અમે સંતોષ અનુભવીએ છીએ. અમે સમુદાયોમાં સ્વસ્થ જીવનને પ્રોત્સાહન અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળની પહોંચ સુધારવા પ્રતિબદ્ધ છીએ.”કચ્છ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો છે. આરોગ્યની બાબતે અસુવિધાના તેમજ જાગૃતિના અભાવે લોકોને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. તેવામાં આવા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશિર્વાદરૂપ બને છે. આ શિબિર આરોગ્ય સંભાળ ક્ષેત્રના અંતરને દૂર કરવાના ફાઉન્ડેશનના સતત પ્રયાસોનો પુરાવો છે.અદાણી ફાઉન્ડેશન કેમ્પ દરમિયાન બિમારીનું નિદાન થયેલા દર્દીઓની ફોલો-અપ સારવાર માટે સમર્પિત છે. અદાણી હોસ્પિટલ આધુનિક સાધનો અને રોગ-નિષ્ણાંત ડોક્ટરોની ટીમ તેમાં સાર્થક સેવાઓ આપી રહી છે. માછીમાર વસાહતોમાં મેડિકલ મોબાઈલ વાન તથા દવાખાનાની સુવિધા અપાઈ રહી છે.