એસ.ટી.બસના આટાપાટામાં અટવાતા મુસાફરો થાય છે હેરાન

નિવૃત એડીશનલ ટ્રેઝરી ઓફીસર નરેન્દ્રભાઇ વિઠલાણી ને રાજકોટથી S.T. નો કેવો કડવો અનુભવ થયો તે તેમના જ શબ્દોમા અક્ષરસ: નીચે મુજબ છે……….
“સવારી સલામત” પરંતુ સ્વમાન અને સગવડની કોઈ ખાતરી નહીં… એસ. ટી.અમારી,” ગણવી કે કેમ એ
અમારે/તમારે નક્કી કરવું રહ્યું!
મિત્રો,
જી.એસ.આર. ટી.સી.ની બસની મુસાફરી માટે ભલે બહુ સારી સારી વાતો થાય પરંતુ હજી પણ ક્યારેક ક્યારેક તો એ બધું કાગળ પરની વાતો જ હોય તેવું લાગ્યા વગર નહીં જ રહે…..જ્યારે તમે આ આખો કિસ્સો વાંચશો ત્યારે.
અહીં પ્રસ્તુત છે મારો પોતાનો એક કડવો/વરવો અને ખેદજનક અનુભવ…
મિત્રો, બન્યું એવું કે રાજકોટથી મારે ગુરુવાર તા.૧૫/૦૫/૨૫ નાં રોજ રાણાવાવ ખાતે પેન્શનરો માટે યોજાનાર એક સમારંભમાં અતિથિ વિશેષ તરીકે સવારે સાડા દસ વાગ્યા સુધીમાં પહોંચાય એ રીતે ઉપસ્થિત રહેવાનું હતું. તેથી મેં G.S.R.T.C.ની સાઇટ પરથી બસ માટે એ સમયને અનુરુપ સર્ચ કર્યું.મારા સમયને અનુકૂળ આવે એ મુજબની બસ શોધવામાં ઘણી મથામણ તો કરવી પડી. એક બસ સાત વાગ્યા આસપાસની હતી જે મને રાણાવાવ સાડા અગિયાર આસપાસ પહોંચાડે એ મને સમયસર પહોંચવા માટે અનુકૂળ ન હતી.અને મારો હંમેશા એવો આગ્રહ હોય કે આયોજકે નક્કી કરેલા સમયે ત્યાં પહોંચવું જ.રહી વાત એ પહેલાંની બસ અંગેની!સવારની સૌથી પહેલી સવારની ચાર વાગ્યા વાળી “ભુજ થી પોરબંદર” એ.સી.સ્લીપર બસ હતી જે મને સવારે સાડા સાત વાગ્યે રાણાવાવ પહોંચાડે.જે મારા નિયત સમય કરતાં ઘણી વહેલી પહોંચાડે એવી બસ હતી. પરંતુ, એસ. ટી. વાળા બસ કંઈ મારા એકલા માટે નથી ચલાવતા એવું વિચારીને એ ચાર વાગ્યા વાળી બસનું ઓનલાઇન બુકિંગ કરાવ્યું ₹ ૪૩૨ નું બસ ભાડું….બન્યું એવું કે gsrtc નું સર્વર ડાઉન અથવા બીજા કોઈ પણ કારણસર મારા બેંક ખાતાંમાંથી રકમ ડેબિટ થઈ પરંતુ કોઈ મેસેજ ન આવ્યો કે ટિકિટ બૂક પણ ન થઈ…મેં વિચાર્યું કે કંઈ ટેકનિકલ ખામી હશે તેથી બુકિંગ ન થયું હોય….મેં બીજી વખત એ જ બસ માટે થોડી વાર પછી ઓનલાઈન બુકિંગ કર્યું….બધું વ્યવસ્થિત થઈ ગયું..P.N.R. નંબર સાથે મેસેજ પણ આવ્યો.રાત્રે બાર વાગ્યે ફરી પાછો પણ મેસેજ આવ્યો P.N.R. નંબરની સાથે મુસાફરીની તારીખ, સમય વગેરે જણાવ્યું પરંતુ બસ નંબર…અને ક્ર્યુ નંબર માં null એવું લખાયેલ મેસેજ હતો.જો એ બાબતો એ મેસેજમાં એસ. ટી.વાળા જણાવી દેતા તો મને આગળ ઉપર પડનારી ઘણી મુશ્કેલીઓમાંથી હું બચી જવાનો હતો…પરંતુ ના,એસ. ટી.વાળાએ જાણે કે આજે મને હેરાન કરવાનું અગાઉથી નક્કી જ ન કર્યું હોય! એવું લાગતું હતું.હાલ પૂરતો તો પેલો Text Message વાંચીને
હું નિશ્ચિંત બની ગયો…પરંતુ એસ. ટી.વાળા તો મેં અગાઉ જણાવ્યું તેમ “સલામતી”ની જ ખાતરી આપે છે.સગવડતા કે નિશ્ચિંતતા સાથે એને બહુ ઝાઝો સંબંધ નથી.અન્ય બાબતો તો ભગવાન ભરોસે.. ખેર,!.વહેલી સવારે ચારમાં દસે હું રાજકોટ સેન્ટ્રલ બસ પોર્ટ પર પહોંચી ગયો…જો કે આ સમયે પહોંચવા માટે મારે અર્ધી રાત્રિએ બે વાગ્યે ઉઠવું પડ્યું…એ તો મારો અંગત પ્રશ્ન છે.આ તો ખાલી એક વાત છે…પરંતુ ખરી મુશ્કેલ સવારી/અને અગવડ દાયક મુસાફરીની કથા તો હવે શરૂ થવાની છે.
હું બસ પોર્ટ પર પોરબંદર માટે નિયત કરાયેલ પ્લેટફોર્મ પર રાહ જોતો ઊભો રહ્યો.. પરંતુ ચાર વાગીને ત્રણ મિનિટ થઈ એટલે મને વિચાર આવ્યો કે ચાલ ત્યાં inquiry window માં જરા પૂછી તો લઉં… એટલે ચાર વાગીને બરાબર ચાર મિનિટે ત્યાં પૂછવા ગયો તો મારા આઘાત અને આશ્ચર્ય વચ્ચે જવાબ મળે છે…. એ બસ તો જતી રહી.મેં કહ્યું પોરબંદર માટેનાં નિયત પ્લેટફોર્મ પર તો બસ આવી જ નથી.મને જવાબ મળ્યો… કે એ.સી.બસનું પ્લેટફોર્મ અલગ હોય.પછી એ કોઈ પણ ગામ માટેની હોય….એ એના નિયત પ્લેટફોર્મ પર ન આવે. મને થયું આટલી વહેલી સવારે મારે એ.સી.ની તો કોઈ જરૂર ન હતી આના કરતા સામાન્ય બસ હોય તો કેવું સારું થાત..! નિયત પ્લેટફોર્મ કે જ્યાં હું રાહ જોતો હતો ત્યાં જ બસ આવત તો ખરી! વળી,ફરજ પરના એ અધિકારીની એક દલીલ હતી…મેં અહીં થી માઇકમાં જાહેરાત તો કરી ..હવે ક્યાં એની જાહેરાતનો છેક છેલ્લે પ્લેટફોર્મ સુધી પહોંચતો અવાજ.!.અને ક્યાં એના શબ્દોના ઉચ્ચરણની શુદ્ધતા! એ તો હજી ઠીક! પણ સાહેબ સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ બધી જાહેરાત અને બસ નીકળવાની પ્રક્રિયા વગેરે બધુ માત્ર ત્રણ મિનિટમાં તો પૂરું થઈ ગયું…સમય પાલન માટેની એસ.ટી.ની કેવી punctuality…સાહેબ, આ g.s.r.t.c. ની સમયની આટલી પાબંદીને ઘડીવાર માટે તો સલામ કરવાનુ મન થઈ જાય.મને થયું કે ભલે હું હેરાન થાઉં પણ જો એસ.ટી.એની આ સમય પાલન માટેની કાળજી જો બધે અમલમાં મૂકવાની હોય તો ખરેખર એ સમગ્ર વ્યવસ્થા તંત્રને લાખ લાખ સલામ! પરંતુ, એ ધન્યવાદનાં અધિકારી એ લોકો બહુ થોડા સમય માટે જ રહેવાના હતા…હવે વાંચો આગળની કથા. ચાર વાગ્યે નિર્ધારિત સમયે ઉપડતી બસ અને એ પણ છેક ભુજથી આવતી બસ ચાર વાગીને ચાર મિનિટે મારી નજરોને ધોકો આપીને ક્યારે છટકી ગઈ અને મને ખબર પણ ન પડી. મેં અગાઉ કહ્યું તેમ જો text mesasage માં બસ નંબર અને કન્ડક્ટરનાં કોન્ટેક્ટ નંબર જણાવેલ હોત તો કેટલી બધી સરળતા રહેત!…પરંતુ ના.એસ.ટી. આવી સરળતા માટે ક્યાં બંધાયેલી છે.!એની ખાતરી તો સલામત સવારીની જ છે ને! હકીકતે આ સગવડતા અગાઉ આવતા મેસેજમાં હતી પણ ખરી..મેં એ અંગે પૂછ્યું તો કહે હવે એ સગવડતા બંધ કરી દીધી છે .. શું કામ? તો કહે ભગવાન જાણે! ખરેખર તો g.s.r.t.c. વાળા તમારી ઓનલાઇન બુકિંગ માટેની માહિતીમાં તમારા મોબાઇલ નંબર ,mail I D વગેરે બધું માંગે જ છે. તો પછી બસ કંડકટર જો ધારે તો એ મોબાઈલ નંબર પર સંપર્ક સાધી શકે કે જેથી કરીને ખરેખર સમય પાલન માટે મારા જેવા આગ્રહીને એસ.ટી.પ્રત્યેનો આદરભાવ ખરેખર વધી જાય!પરંતુ ખેર!જે ઘટના બની ગઇ છે એનો હવે અફસોસ શું કામનો.! એમ વિચારીને મેં એમને પૂછ્યું, એ બસના ડ્રાઈવર,કન્ડક્ટરનાં સંપર્ક નંબર મળી શકે? ..મારી નિરાશા વચ્ચે એને નકારમાં માથું ધુણાવ્યું! ઉલ્ટું એમને તો મને કહ્યું કે મેં માઇકમાં જાહેરાત કરી હતી તે તમે કેમ સાંભળી નહીં ? એની કેસેટ તો ત્યાં જ ચોંટેલી હતી…આ બધો ખેલ માત્ર ત્રણથી ચાર મિનિટનો હતો સાહેબ!… ઘડી ભર હું વિચારમાં પડી ગયો કે આટલી બધી સમય પાલન માટેની કાળજી! ખરેખર એવું લાગે કે આપણા આદરણીય પ્રધાનમંત્રીનું સુત્ર “મેરા દેશ બદલ રહા હૈ” ખરા અર્થમાં સાર્થક થતું લાગે છે. પણ એ કેટલું સાર્થક એ તો આગળની કહાની જ જણાવશે. મારી મુશ્કેલી જાણે કે મારો આજે પીછો છોડવા જ ન માંગતી હોય તેવું હજુ ચાલુ જ રહ્યું.મેં ત્યાં વિન્ડો પરનાં અધિકારીના તોછડાઈ પૂર્ણ જવાબોને પચાવીને ,આઘાતમાંથી બહાર નીકળીને પૂછ્યું કે હવે મારે રાણાવાવ મારા નિયત સમયે પહોંચવા શું કરવું જોઈએ ? એમણે અલબત્ત, મદદરૂપ બનવાની ભાવનાથી પ્રેરાયને મને કહ્યું.હવે સાડા ચાર વાગ્યે દાહોદથી જામજોધપુર જતી બસ આવશે એમાં બેસી જજો અને ઉપલેટા ઉતરીને ત્યાંથી બીજી પોરબંદરની બસ પકડીને તમે રાણાવાવ પહોંચી જશો તમારા સમયે…બન્યું એવું મિત્રો, કે પાંચ વાગ્યા સુધી રાહ જોયા પછી પણ એ દાહોદ વાળી બસ તો આવી જ નહીં એટલે મેં ત્યાં ફરી પૂછ્યું ..તો જાણવા મળ્યું કે બસ ઉપરથી આવે છે એટલે કંઇ ખબર ન પડે. જો કે,એક કલાક પહેલા હું જે બસ ચૂકી ગયો તે પણ ઉપરથી જ આવતી હતી..એ જુદી વાત છે.પણ સમયસર આવી ગઈ તો એ તો સારી વાત કહેવાય એ તો સ્વીકારવું જ પડે!એમને મેં થોડી વિનંતીનાં સુરમાં કહ્યું મારે હવે સમયસર રાણાવાવ પહોંચવા શું થઈ શકે?. એમણે મને મારા આશ્ચર્ય વચ્ચે જાણકારી આપી કે રાજકોટથી ઉપડતી અને પોરબંદર જતી સીધી બસ સાડા પાંચ વાગ્યે અહીંથી ઉપડશે. અને ખરેખર! મને હવે એસ. ટી.પ્રત્યે જે આદરભાવ અને અહોભાવ હતો એ જાણે કે ક્ષણવારમાં પત્તાંનાં મહેલની જેમ ભાંગીને ભુક્કો થતો હોય તેવું મેં અનુભવ્યું. અને દિલ પર પથ્થર રાખીને થોડા હિચકિચાટ સાથે મેં એમને પૂછ્યું, જો એ બસ આ સમયમાં જ હોય તો અને મને તે બધી રીતે અનુકૂળ પડે તેવું હતું તેથી મેં એમને પૂછ્યું, કે તો પછી એ g.s.r.t.c. ની વેબસાઇટ પર આ બસ અંગેની વિગતો કેમ ન બતાવે? અને એમનો જવાબ હતો ,!એ બસનું નક્કી નથી હોતું એટલે સાઈટ પર તે નથી મૂકી.અહો આશ્ચર્યમ્..! નક્કી ન હોય એવી બસો પણ આવે છે અને મળે પણ છે. અને જતી પણ રહે છે. એનું શું કરવું?હવે વિચારો મિત્રો, g.s.r.t.c.ની ઓનલાઈન સાઈટને કેટલી વિશ્વસનીય ગણવી!
પરંતુ મને આનંદ થયો કે, સારું! મારા સમયે મને બસ મળી તો જશે…BY the way.. સાડા પાંચ સુધી પેલી દાહોદ જામજોધપુર વાળી ચાર વાગ્યા વાળી બસ જો કે હજુ સુધી આવી જ ન હતી ! એ હકીકત છે. પરંતુ ખેર, મારે તો હવે એનું કંઈ કામ જ ન હતું..મેં પેલી એ.સી.બસની ઓનલાઇન કરાવેલ ટીકીટની રકમનાં રિફંડ માટે ત્યાં પૂછ્યું તો એ કહે એ બસમાં તમે ભલે બેઠા નથી પણ હવે એનું રિફંડ શક્ય નથી.મેં મન મનાવ્યું કે કંઈ વાંધો નહીં મારો સમય તો સચવાય જશે ને!
અલબત્ત એ તસલ્લી તો ભ્રામક જ સાબિત થવાની હતી.. મારી મુશ્કેલી નો કોઈ અંત ન હતો…
વિચિત્રતા જુવો, મિત્રો! કે રાજકોટ થી પોરબંદર જેટલા લાંબા રૂટ પર જતી બસ અંગે કોઈ ઓનલાઇન કે ઓફ લાઇન સમય પત્રકમાં ક્યાંય ઉલ્લેખ ન હોવાને કારણે આખી બસ કે જેમાં પચાસ થી છપ્પન જેટલા મુસાફરો બેસી શકે એ બસ મારા સહિત માત્ર ત્રણ મુસાફરોને લઈને સમયસર સાડા પાંચે ઉપડી.મને થોડી શાંતિ થઈ! પરંતુ એ શાંતિ પણ લાંબો સમય ટકાવાની ન હતી એ જુદી વાત છે.
રસ્તામાં એ બસનાં ડ્રાઇવરને મારી વિતક કથા સંભળાવી એને મેં આ બસની માહિતી કે વિગતો ઓનલાઇન ન મૂકવા અંગેનું કારણ પૂછ્યું તો કહે આ બસ તાજેતરમાં જ શરૂ કરી છે.અને કેટલો સમય ચાલશે એ પણ નક્કી નથી તેથી તેને ઓનલાઇન માહિતી માટે ન મુકી શકાય.હવે ખરેખર તો,ઓનલાઇન માહિતી મૂકવા માટે અને જરૂર પડે ત્યારે તે માહિતી ત્યાંથી દૂર કરવામાં કેટલો સમય જોઈએ એ તો એસ. ટી.સત્તાવાળા જ જાણે!.. પરંતુ મને અફસોસ એ વાતનો છે કે જો મને આ બસ વિશે અગાઉથી જાણકારી મળી હોત તો કેટલી બધી શારીરિક/માનસિક અને આર્થિક મુશ્કેલીઓ અને અગવડતા માંથી હું બચી શકયો હોત! એટલે આ તકે આપ સૌને મારે સચેત કરવા જોઈએ કે આ ડિઝીટલ યુગ માં પણ ઓનલાઇન વિગતોની સાથે સાથે તમારે રૂબરૂ જઇને પણ તમારી બસ અંગેની વિગતો જાણી લેવી હિતાવહ છે.કદાચ ક્યારેક એવું બને કે એ ઇન્ક્વાયારી વાળા તમને ઓનલાઈન માહિતી હોય એનાથી વિશેષ માહિતી પણ આપી શકે…જો તમારા નસીબ સારા હોય તો!
પરંતુ ખેર! જે ઈશ્વરને નહીં પરંતુ એસ. ટી.સત્તાવાળાઓને ગમ્યું તે ખરૂં!.એ ન્યાયે રાજકોટનાં દૂરનાં વિસ્તારમાંથી સાડા ત્રણ વાગ્યે ઘરે થી નીકળીને આ મારી રાજકોટથી અગવડ દાયક મુસાફરીની શરૂઆત અંતે સાડા પાંચ વાગ્યે શરૂ તો થઈ…
બસમાં મેં અગાઉ જણાવ્યું તેમ માત્ર ત્રણ મુસાફરો..!
રાજકોટ થી રાણાવાવ માટેની બસ ટીકીટ ₹ ૧૭૫ ની ખરીદીને નીકળ્યો!
“दिल में छुपा के मायुषी का तूफान ले कर चले” हम आज अपनी एस.टी. के लिए दिल मे बहेती हुई बहोत अच्छी भावनाओ को दफनाते चले!અને ડ્રાઈવર કન્ડક્ટર સહિત કુલ પાંચ વ્યક્તિઓ માટેની આ સલામત સવારી આગળ વધી..
દરમિયાનમાં ગોંડલથી એક મુસાફર ઉમેરાયા અને વીરપુર પહોંચ્યા ત્યારે પછી વળી પાછું એક નવું આશ્ચર્ય! આ ચાર મુસાફરોની ટીકીટ ચેક કરવા માટે બે ઈન્સ્પેકટરો ટિકિટ ચેકીંગ માટે પણ આવ્યા..બસનાં કન્ડક્ટરને બધું પૂછ્યું..એ લેડી કંડકટરનું નામ પણ એ ટિકિટ ચેકરે પૂછ્યું પણ મને એ યાદ ન રહ્યું.અને ત્યાંથી અમારી સલામત સવારી આગળ ચાલી.અને સાડા સાત વાગ્યે અમારી આ સવારી જેતપુર પહોંચી…
ત્યાં બસ ઊભી રાખી કે તુરંત ત્યાં થી બસમાં ચડવા વાળા મુસાફરો હજુ ચડતા જ હશે…કદાચ દસ પંદર મુસાફરો હશે…એ બસમાં ચડતાં હતાં ત્યારે બસનાં ડ્રાઇવરે જાહેરાત કરી કે જેને ફ્રેશ થવા જવું હોય તે જઈ આવે પછી બસ સીધી પોરબંદર જ ઊભી રહેશે. .એમ કહીને તે નીચે ઉતર્યા અને કન્ડક્ટર બહેન પણ ત્યાં એન્ટ્રી કરાવવા ઉતર્યા..
દરમિયાનમાં મે વિચાર્યું કે હું છેક ત્રણ વાગ્યાથી ઘરેથી નીકળ્યો છું તો ફ્રેશ થતો આવું. એટલે ડ્રાઈવર એની કેબિનમાંથી ઉતર્યા અને હું ઉભો થયો ત્યારે મુસાફરો ભાગ્યે જ દસેક વ્યક્તિ હશે તે બસમાં ચડી રહ્યા હતા તે બધા બસમાં ચડી ગયા પછી હું ઉતર્યો અને બરાબર ચોથી મિનિટે ત્યાં પ્લેટફોર્મ પર પાછો પહોંચ્યો ત્યાં મારા આઘાત અને આશ્ચર્ય વચ્ચે બસ ત્યાં થી ઉપડી ગઇ હતી.છેક રાજકોટથી બેઠેલા મારા સહિત ત્રણ મુસાફરોજ બસમાં બેઠા છે કે નહીં એની જરા પણ દરકાર કર્યા વગર બસ ઉપાડી લેવી કેટલુ વ્યાજબી?…
મેં જેતપુર વિન્ડો પર મારી બધી વાત કરી મારો સામાન (બેગ અને વોટરબેગ) પણ એ બસમાં રહી ગયા છે એ વાત કરી.સારું થયું કે મારું વોલેટ મારા ખિસ્સામાં હતું. મેં ત્યાં વિન્ડો પર પૂછ્યું કે બસનાં ડ્રાઇવર/ કંડકટરનાં કંઈ કોન્ટેક્ટ નંબર મળે?.તો તેમનો જવાબ હતો.ના એ શક્ય નથી.મને એ સમજાતું નથી કે હવે આ દેશનાં એકસો ચાલીસ કરોડ નાગરિકોની ઓળખ સરકાર જો આધાર કાર્ડથી કરી શકતી હોય અને તેનો સંપર્ક પણ તુરંત કરી શકતી હોય તો આ એસ.ટી.વાળા એના જ કર્મચારીઓનો મોબાઈલ પર સંપર્ક કેમ ન કરાવી શકે!…કેવી વિચિત્રતા કહેવાય! જો કે ,હજી મારી મુશ્કેલીનો અંત તો છે જ નહીં…ફરી એ નવા આઘાતમાંથી બહાર નીકળીને મેં રાણાવાવ મારા એક મોટી ઉંમરના સ્નેહી પેન્શનર મિત્રનો મોબાઈલ પર સંપર્ક સાધી રાજકોટ થી પોરબંદર વાળી આ બસ રાણાવાવ પહોંચે એ પહેલાં ત્યાં પહોંચી મારો સામાન મેળવી લેવા માટે જણાવ્યું અને એ બિચારા એંસી વર્ષના બુઝુર્ગ બસ પહોંચે એનાં કરતા ત્રીસ મિનીટ વહેલા રાણાવાવ બસ પોર્ટ પર પહોંચી ગયા અને મારી બેગ વગેરે collect કરી લીધું એટલું સારું. નહીં તો છેક પોરબંદર જઈ ને આ વિધિ કરવી પડત. ખરેખર ઇશ્વરનો આભાર. દરમિયાનમાં જેતપુર બસ સ્ટેન્ડ પર મે વીસ મિનિટ બીજી બસની રાહ જોયાં પછી મને આઠ વાગ્યે ગોંડલ પોરબંદર વાળી બસ મળી અને તેમાં હું બેસી ગયો. પછી તે બસના ફરજ પરના લેડી કન્ડક્ટરને મારી વિતક કથા કહી અને કહ્યું કે મારી પાસે રાજકોટથી રાણાવાવની ટિકિટ છે.હજુ એ બસ અહીંથી પંદર મિનિટ પહેલા જ મને અહીં નોધારો છોડીને ઉપડી ગઈ છે. તો મારી આ ટિકિટ ચાલશે કે નહીં!?અને એનો નિર્દયતા પુર્ણ પ્રત્યુતર હતો…ના, એ ન ચાલે…અમારા એટલે કે એસ. ટી. નાં કોઈ ફોલ્ટનાં કારણે બસ બદલવી પડે તો આ ટિકિટ ચાલે, અન્યથા ન ચાલે.હવે,એને કેમ સમજાવવું કે કોઈ મુસાફરને તમે ફ્રેશ થવા બે મિનિટનો સમય આપો અને ત્રીજી મિનિટે લ મુસાફરોનું કોઈ ચેકીંગ/ગણતરી કર્યા વગર બસ ઉપાડી મૂકવી એમાં કોનો ફોલ્ટ!અંતે મારે ફરી જેતપુરથી રાણાવાવની ₹.૭૫.ની નવી ટિકિટ લેવી પડી અને મારા નિર્ધારિત સ્થળે સાડા દસ વાગ્યે માંડ માંડ મારા સમાન અને પાણીની બોટલની ચિંતા કરતાં કરતાં. આખરે મારી આ સલામત સવારી.. એસ.ટી.ના કર્મચારીઓના ક્યારેક ક્યારેક સહકાર પૂર્ણ તો વળી, ક્યારેક ક્યારેક લાચારી ભર્યા તો વળી, ક્યાંક કયાંક ઘણી ગંભીર બેદરકારીભર્યા. અને ક્યાંક ક્યાંક પોતાના સ્વબચાવ માટે તદન રુક્ષતા પૂર્ણ અને ઉદ્ધતાઈ પૂર્ણ જવાબો અને ક્યારેક તો આપણું રીતસર સ્વમાન ઘવાય એવા જવાબો સાંભળવાની સંપૂર્ણ તૈયારી સાથેનાં મારા અનુભવોને આધારે ભવિષ્યમાં એસ.ટી. બસમાં મુસાફરી કરવી કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પસંદ કરવી તે નક્કી કરવા માટે…. અને સૌથી અગત્યની વાત …એટલે કે એસ.ટી.સત્તાવાળાઓ ક્યાંક ક્યાંક જ્યાં શકય હોય ત્યાં પોતાની અણઘડ,અને અગવડ દાયક જોગવાઈઓ અંગે જરુરી અભ્યાસ કરી, કંઈક સુધારો કરી શકે તો મને લાગે છે કે.મારી આ નિષ્પક્ષ અને સત્ય હકીકતો સાથેની ક્હાની આપના સુધી પહોંચાડી એ લેખે લાગશે..
અસ્તુ,
નરેન્દ્ર વી વિઠલાણી રાજકોટ.
મો.૯૮૨૪૪૮૮૬૬૭





