AHAVADANGGUJARAT

સાપુતારા ઘાટમાર્ગમાં પાટણ-નાસિક એસટી બસ બ્રેક ફેઈલ થતા 3 જેટલી બાઇકોને અડફેટમાં લેતા 1 યુવાનનું મોત..

વાત્સલ્યમ સમાચાર

વાંસદા ડાંગ

સાપુતારા ઘાટમાર્ગમાં પાટણ-નાસિક એસટી બસનો બ્રેક ફેઈલ થતા બેકાબુ બની સામેથી આવી રહેલ 3 બાઇકોને અડફેટમાં લઈ ઝાડ સાથે અથડાઈ:-એક બાઈક ચાલકનું મોત,જ્યારે બસમાં સવાર તમામ 35 મુસાફરોનો બચાવ..

ડાંગ જિલ્લાનાં સાપુતારા-માલેગામ ઘાટ માર્ગ પર  એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો,જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની પાટણ-નાસિક એસટી બસની બ્રેક ફેલ થતા ત્રણ મોટરસાઇકલને અડફેટે લીધી હતી.આ કરૂણ ઘટનામાં એક મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતુ.જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.જોકે, બસ ડ્રાઇવરની અસાધારણ સમયસૂચકતાને કારણે બસમાં સવાર 35 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો, જેનાથી મોટી જાનહાનિ ટળી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, GSRTC બસ રજી.નં.GJ -18-Z-8964ની આ બસ (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) નાસિકથી પાટણ તરફ જઈ રહી હતી. સાપુતારા-માલેગામ ઘાટના જોખમી માર્ગ પર અચાનક બસની બ્રેક ફેલ થઈ જતા બસ બેકાબૂ બની ગઈ હતી.પહાડી રસ્તા પર બેકાબૂ બસ ખૂબ જ ઝડપથી નીચે ઉતરવા લાગી હતી.આ દરમિયાન સામેથી આવી રહેલી ત્રણ મોટરસાઇકલોને બસે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માલેગામની મોટરસાયકલ રજી. નં.જીજે-30-એફ-4596 તથા દબાસની મોટરસાયકલ રજી. જીજે-30-સી-4349 તથા માલેગામની મોટરસાયકલ રજી. નં. જીજે-05-એનઈ-8032 મોટરસાયકલને બસે અડફેટે લીધી હતી.બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે એક મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું, જ્યારે બીજી મોટરસાઇકલ પર સવાર વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,એસટી બસે મોટરસાયકલોને 200 ફૂટ દૂર સુધી ઘસડી હતી.બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા.બસમાં પણ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહી એસટી બસ બ્રેક ફેલ થવાની ગંભીર પરિસ્થિતિમાં બસ ડ્રાઇવરે ગભરાયા વિના ભારે સમયસૂચકતા વાપરી હતી.ઘાટમાર્ગ પર બસને કાબૂમાં લેવા માટે અંતિમ પ્રયાસ તરીકે, ડ્રાઇવરે બસને યુ-ટર્ન પાસે આવતા એક મોટા ઝાડ સાથે અથડાવી દીધી હતી.આ જોખમી નિર્ણયથી બસની ગતિ અંકુશમાં આવી અને તે પહાડી વિસ્તારમાં ઊંડી ખીણમાં પડતા બચી ગઈ.ઉલ્લેખનીય છે કે, જો બસ માત્ર 200 ફૂટ પણ આગળ વધીને યુ-ટર્ન પરથી ખીણમાં નીચે ઉતરી જાત, તો મૃત્યુઆંક ખૂબ મોટો આવી શક્યો હોત. બસ ડ્રાઇવરની આ વીરતાપૂર્ણ અને સમયસરની કાર્યવાહીને કારણે જ તમામ 35 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.આ ઘટનાની જાણ થતા જ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.પી.ડી.ગોંડલિયા સહીત સાપુતારા નાયબ મામલતદાર પી.વી.પરમાર અને સ્થાનિક રાહત ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી.સાપુતારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અકસ્માતમાં ધનુદાસ રામદાસ હડશ (ઉ. વ.30 રહે.માલેગામ) નું મોત નીપજ્યું હતુ.આ અકસ્માતનાં બનાવમાં ઘાટ માર્ગ પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો, પરંતુ હવે તે પૂર્વવત કરી દેવાયો છે..

Back to top button
error: Content is protected !!