




*કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે “એક પેડ માં કે નામ” કેમ્પેઇન અંતર્ગત સિદ્ધપુરનાં ગામોને વૃક્ષોનાં રોપા અને પાંજરાઓનું વિતરણ કર્યું
*”આવો સૌ સાથે મળીને વૃક્ષો વાવવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ કરીએ”: મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત*
ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને “એક પેડ માં કે નામ” કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોના રોપા અને પાંજરાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 1000 જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક જાગૃતિ સંદેશના ભાગરૂપે “એક પેડ માં કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરનાં એ.પી.એમ.સી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સતત દેશની ચિંતા કરી રહ્યા છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2004 થી ખૂબ જ પ્રમાણમાં વૃક્ષોનું પ્રમાણ વધે તેવી વ્યવસ્થા કરી હતી. આજે દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું પ્રમાણ વધે, મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે આપણે સાથે મળીને દરેકે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ ફક્ત વૃક્ષો વાવેતર જ નહીં પરંતુ તેનું જતન પણ આપણે કરવું જોઈએ જેમ કે આપણે આપણા બાળકને કેટલી જવાબદારી પૂર્વક સાચવીએ છીએ અને તેને મોટું કરીએ છીએ, પાલનપોષણ કરીએ છીએ તેવી જ રીતે વૃક્ષોનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણી આવનારી પેઢી માટે પર્યાવરણ જળવાઈ રહે તેવું ભગીરથ કાર્ય આપણે કરવાનું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારતને “એક પેડ મા કે નામ” સૂત્ર આપ્યું છે. આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સિધ્ધપુર દ્વારા 1000 કરતા પણ વધારે પાંજરા બનાવવાંમાં આવ્યાં છે આ તમામ પાંજરાઓ દરેક ગામ દીઠ બધાને પ્રાપ્ત થાય અને દરેક લોકો વૃક્ષોનું વાવેતર કરે અને આ વૃક્ષો જોઈને બીજા બધાને પણ પ્રેરણા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સિદ્ધપુર તાલુકામાં દરેક ગામમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવો એક સંકલ્પ કરવામાં આવ્યો છે.
એ.પી.એમ.સી. ખાતે આયોજીત કાર્યક્રમમાં એ.પી.એમ.સી ના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, સેવા સહકારી મંડળીઓના પ્રમુખ તેમજ મંત્રીશ્રીઓ, વિવિધ કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર
				


