કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિ વચ્ચે નારી સંમેલન યોજાયું.

તારીખ ૨૩/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત જીલ્લા અને તાલુકા મહાનુભાવો સાથે રાજકીય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે નારી સંમેલન યોજાયું હતું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ, ગાંધીનગર તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી પંચમહાલ જિલ્લા દ્વારા મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બનાવવા તેમજ ગ્રામીણ મહિલાઓ સુધી કાયદાનું જ્ઞાન પહોંચે તે હેતુથી કાલોલ આઇસીડીએસ શાખા તાલુકા પંચાયત દ્વારા આયોજીત નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એ મહિલા સંમેલનને સંબોધતા જણાવ્યું હતું કે,સ્ત્રીઓએ પોતાની શક્તિઓનું સમાજના હિતમાં યોગદાન આપવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને સશક્ત બનાવવા બેટી બચાવો બેટી પઢાઓ માંડી તેમને આર્થિક સશક્ત બનાવવા સુધીની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. દેશ તો જ મજબૂત બનશે, જો તેનું ભાવિ ઘડતર કરનાર મહિલાઓ મજબૂત હશે, આ માટે જ તમામ મહિલાઓને પોતાની શક્તિઓને જાણી જાગૃત બનવા સંકલ્પ લેવા અને મહિલાઓને નિ:સંકોચ બની આગળ વધવા સાથે ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરવા ધારાસભ્ય એ આહવાન કર્યું હતું. આ પ્રસંગે મહિલા બાળ અધિકારી,કાલોલ તથા વેજલપુર પીએસઆઇ, મહિલા સહાયક કેન્દ્ર 181 અભયમ ટીમ, સીડીપીઓ મેડમ,જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ,તાલુકા ભાજપ મહિલા મોરચા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ,કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને તાલુકા પંચાયતના સભ્યો સાથે કાલોલ નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
				







