
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – ચોઇલા ગામે પતંગની દોરીનો ભોગ બન્યો સગીર મોપેડ સવાર 17 વર્ષીય તીર્થ પટેલનું કરુણ મોત, પંથકમાં શોક
ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઇલા ગામે હૃદયવિદારી ઘટના બની છે. ચોઇલા ગામના બીજા સ્ટેન્ડ નજીક મોપેડ પર જઈ રહેલા 17 વર્ષીય તીર્થ પટેલ નામના સગીરના ગળામાં પતંગની દોરી અચાનક ભરાતા ગંભીર રીતે ગળું કપાઈ ગયું હતું, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ તીર્થ પટેલ મોપેડ લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે આકાશમાંથી લટકતી પતંગની દોરી ગળામાં ફસાઈ ગઈ હતી. દોરીના જોરદાર ઝટકાથી સગીર લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવને પગલે ચોઇલા ગામ સહિત સમગ્ર બાયડ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઉત્તરાયણ જેવા આનંદના તહેવારમાં આવી દુર્ઘટનાએ પરિવારજનો અને ગ્રામજનોને ઘેરા આઘાતમાં મૂકી દીધા છે.પ્રશાસન દ્વારા લોકોને ઉત્તરાયણ દરમિયાન નાયલોન તથા ઘાતક દોરીનો ઉપયોગ ન કરવા અને વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બીજી તરફ તંત્ર ધ્વારા ઘાતક દોરીની ઉપયોગ ન કરવા અને કાચ થી દોરી ન પકવવા માટે જાહેરનામુ બહાર પાડવા છતાં જિલ્લામાં ઠેર ઠેર મોત ની દોરીઓ જોવા મળી છતાં તંત્ર એ કાર્યવાહી પણ ન કર્યા હોવાની પણ હવે ચર્ચાઓ ચાલી રહી છે




