ANANDGUJARATUMRETH

હોળી પૂનમ : ડાકોરના ભકિત પથ પર આજથી જય રણછોડના નાદ સાથે પદયાત્રિકો કરશે પ્રસ્થાન

પદયાત્રાના રૂટ પર ભંડારા, માલિશ કેન્દ્ર સહિતના સેવા કેમ્પોમાં આખરી તૈયારીઓનો ધમધમાટ

પ્રતિનિધિ:ડાકોર
તસ્વીર: કુંજન પાટણવાડીયા

યાત્રાધામ ડાકોરમાં હોળી પૂનમની ઉજવણીનો અનોખો માહોલ જોવા મળતો હોય છે. તેમાંયે ખાસ કરીને હોળી પૂનમે રણછોડરાયજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિકજનો ઉમટે છે. જેમાં અમદાવાદ, વડોદરા, નડિયાદ, આણંદ સહિતના વિસ્તારોમાંથી પગપાળા ડાકોર જનારા દર્શનાર્થીઓની મોટી સંખ્યા જોવા મળે છે.

હોળી-ધૂળેટી પર્વ ડાકોર દર્શન કરવા માટે અમદાવાદથી ભકતોએ આજે પગપાળા યાત્રા શરુ કરી હતી. પદયાત્રીઓની સેવા માટે જશોદાનગરથી ડાકોર પથ પર વિવિધ સંસ્થાઓ, સામાજીક અગ્રણીઓ દ્વારા સેવાકીય કેમ્પો અને આરામ માટે મંડપો બાંધવામાં આવ્યા છે. ભકિત પથ રૂટ પર પદયાત્રીઓને રાત્રિના સમયે હાલાકી ઉભી ન થાય તે માટે વિવિધ જગ્યાઓએ તંત્ર દ્વારા હેલોઝન લાઇટો લગાવવાની કામગીરી કરવામાં આવી છે
ડાકોર પદયાત્રી સેવા કેન્દ્ર સંકલન સમિતિના જણાવ્યાનુસાર પદયાત્રી રૂટ પર અનેક જગ્યાએ ભંડારા અને રસોડાનું આયોજન કરાયું છે. જેનો આજથી પ્રાથમિક તબકકે પ્રારંભ થયો છે. આ વર રુટ પર ૩૦૦ જેટલા કેમ્પો પગપાળા જતા ભકતોની સેવા કાર્યોમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, પદયાત્રાના રૂટ પર વિવિધ ગામો અને સામાજીક સંસ્થાઓ, અગ્રણીઓ દ્વારા છાશ, શરબત, ફ્રૂટ, નાસ્તો, ચ્હા-પાણી, ભોજન, વિશ્રામ, તબીબી સારવાર સહિત ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને વયસ્ક પદયાત્રીઓને આરામ-માલિશ સહિત પદયાત્રીઓને સુવિધાજનક રાત્રિ રોકાણનું પણ કેમ્પોમાં આયોજન કરવામાં આવ્યું છે.

આજે આમલ કી એકાદશી, રણછોડરાયજી ફાગોત્સવ રમવા નીકળશે: ડાકોર રણછોડરાયજી મંદિરમાં આવતીકાલે સોમવારે આમલ કી એકાદશી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. રંગોના ઉત્સવની શરુઆત કરવામાં આવશે. શ્રીરણછોડરાયજી ભગવાન ભવ્ય ઠાઠ-વૈભવ સાથે ફાગોત્સવ રમવા નીકળશે. ડાકોરના માર્ગો પર અબીલ-ગુલાલની રસછોળ, ભજન મંડળીઓના સૂરતાલ સાથે પ્રભુ ફાગોત્સવ રમવા નીકળશે ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનો દ્વારા જય રણછોડનો ગગનભેદી નાદ કરાશે. કહેવાય છે કે, ફાગોત્સવ દરમ્યાન ડાકોરમાં વ્રજ ભૂમિના રંગોત્સવનો દર્શનાર્થીઓ અનુભવ કરે છે.

Back to top button
error: Content is protected !!