GUJARATPANCHMAHALSHEHERA

શહેરાના વાઘજીપુરના વ્યાજબી ભાવના દુકાનદારનો પરવાનો કાયમી રદ અને રૂા. ૧.૬૦ લાખનો દંડ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે કાર્યરત રમીલાબેન એસ. બારીયા સંચાલિત સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં ગંભીર ગેરરીતિઓ જણાતા, જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. દુકાનદારનો પરવાનો કાયમી ધોરણે રદ કરી કુલ રૂા. ૧,૬૦,૭૬૫/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ પુરવઠા નિરીક્ષક દ્વારા આ દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નીચે મુજબની ક્ષતિઓ અને ગેરરીતિઓ પ્રકાશમાં આવી હતી.

 

જથ્થામાં ઘટ: ભૌતિક તપાસ કરતા ઘઉંના ૧૨ કટ્ટા, ચોખાના ૪૫ કટ્ટા અને ખાંડમાં ૧૫ કિ.ગ્રા.ની ઘટ માલૂમ પડી હતી.

નિયમોનું ઉલ્લંઘન: ગ્રાહકોને કુપન ન આપવી, ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રદર્શિત ન કરવું તેમજ તોલમાપનું પ્રમાણપત્ર રજૂ ન કરવા જેવી ગંભીર બેદરકારી જોવા મળી હતી.

 

આ ગેરરીતિ બદલ તંત્ર દ્વારા સંચાલકને તા. ૦૩/૦૩/૨૦૨૬ના રોજ કારણદર્શક નોટિસ પાઠવી તા. ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું. સંચાલક દ્વારા રજૂ કરવામાં આવેલા લેખિત ખુલાસાનું અવલોકન કરતા, પરવાનાની શરતોનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ જણાતા જિલ્લા પુરવઠા અધિકારીએ કાયમી પરવાનો રદ કરવાનો અને દંડ વસૂલવાનો આદેશ કર્યો છે.

 

“કાર્ડધારકોને કુપન ન આપી તેઓના હિતોને નુકસાન પહોંચાડનારા દુકાનદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને લાભાર્થીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે.”

જિલ્લા પુરવઠા કચેરી દ્વારા વ્યાજબી ભાવની દુકાનો પર સતત અને સઘન તપાસની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી ગરીબ કાર્ડધારકોને તેમનો હક મળી રહે.

 

Back to top button
error: Content is protected !!