
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા સતત બીજા દિવસે પણ યુરિયા ખાતર માટે લાઈનો લાગી :- પૂરતો સ્ટોક મળતો નથી -ખેડૂતો, મેઘરજ તાલુકામાં જ કેમ ખાતર માટે લાઈનો લાગે છે…?
અરવલ્લી જિલ્લામાં ચોમાસાના સમયે જ ખાતર ની તંગી હોય તેવો ઘાટ સર્જાયો છે અને પૂરતા પ્રમાણે અને સમયસર ખાતર મળતું નથી તેવા ખેડૂતોના આક્ષેપો છે. વાત છે મેઘરજ તાલુકાની જ્યાં આજે તાલુકા સંઘ ખાતે મોટી સઁખ્યામા ખેડૂતો ખાતર માટે ઉમટી પડ્યા હતા અને દિવસે ને દિવસે હવે ખાતર ન મળતું હોવાના આક્ષેપો છે ખેડૂતોના જણાવ્યા મુજબ વહેલી સવાર થી ખાતર લેવા માટે આવીએ છીએ અને ક્યાંક નંબર આવેં એટલા ખાતરનો સ્ટોક પૂરો થઇ જાય ત્યારે જગતનો તાત હાલ ભગવાન ભરોસે હોય તેવું લાગી રહ્યું છે તંત્ર એક બાજુ સ્ટોક ભરપૂર હોવાની વાત કરે છે તો બીજી બાજુ ખાતર માટે લાઈનો લાગે છે હવે સાચું કોણ…?
મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની અછત સર્જાતા ખેડૂતોમાં ભારે બેકાબૂ પરિસ્થિતિ જોવા મળી રહી છે. તાલુકા સંઘ આગળ વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો લાગી ગઈ હતી. ખાતર મેળવવા માટે પુરુષો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ લાઈનમાં ઉભી રહી હતી.તડકો તેમજ વરસાદમાં પણ ખાતર માટે ખેડૂતો ઉભા જોવા મળ્યા હતા
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, છેલ્લા બે દિવસથી ખાતર મેળવવા માટે ડેપો આગળ ધક્કામુક્કીનો માહોલ સર્જાયો છે. જરૂરી ખાતર ન મળતાં ખેડૂતોને વાવેતર અને પાક સંભાળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતીના સમયગાળામાં ખાતર જરૂરી હોવાથી ખેડૂતોને ભારે ચિંતાનો માહોલ છે.
ખાતરની અછતના કારણે ખેડૂતો રોજિંદા કામકાજ છોડીને વહેલી સવારથી જ ડેપો આગળ લાઈન લગાવવા મજબૂર બન્યા છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે પૂરતું સ્ટોક ઉપલબ્ધ ન હોવાથી તેમને કલાકો સુધી ઊભા રહીને પણ ખાતર હાથ લાગી રહ્યું નથી.
ખાતરની અછતને કારણે ખેતીકામમાં વિલંબ થવાનો ભય ખેડૂતોમાં વ્યાપી રહ્યો છે. હવે ખેડૂતો તંત્ર પાસે તાત્કાલિક પૂરતું ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી રહ્યા છે.






