
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના સાપુતારા માલેગામ ઘાટ માર્ગ પર અકસ્માતો દરમિયાન કરેલી વીરતાપૂર્ણ અને પ્રસંશનીય કામગીરીને બિરદાવવા માટે ડાંગ જિલ્લાના પીઆઈ આર.એસ. પટેલ સહિત સુરત રેન્જ અને સુરત સિટી પોલીસને પ્રખ્યાત બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર દ્વારા સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સન્માન સમારોહ પોલીસ જવાનોની ફરજ નિષ્ઠા અને માનવતાની ભાવનાને ઉજાગર કરનારો બની રહ્યો હતો.
ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ મથકના તત્કાલીન પી.આઈ. અને હાલમાં ડાંગ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા રોહિત પટેલ (આર.એસ. પટેલ)ની કામગીરી ખાસ કરીને નોંધનીય રહી છે. સાપુતારા ઘાટમાર્ગ, જે અકસ્માતો માટે સંવેદનશીલ છે, ત્યાં અકસ્માત નિવારણ માટે પીઆઈ રોહિત પટેલ દ્વારા સમયસર અને અસરકારક પગલાં લેવામાં આવ્યા હતા.પીઆઈ રોહિત પટેલ અકસ્માતની જાણ થતાં જ તુરંત સ્થળ પર દોડી જતા હતા.તેમની સમયસૂચકતા અને ઝડપી પ્રતિભાવને કારણે અનેક ગંભીર ઈજાગ્રસ્તોના જીવ બચાવી શકાયા હતા.પોલીસની ફરજથી પણ વિશેષ, તેમણે માનવતા દાખવી ઘાયલોને તાત્કાલિક મદદ પૂરી પાડીને માનવતાની મહેક પ્રસરાવી હતી.સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ગૌરવપૂર્ણ સમારોહમાં, ફિલ્મી કલાકાર અક્ષયકુમારે પોતે હાજર રહીને પોલીસ જવાનોને તેમની નિષ્ઠાવાન સેવા માટે બિરદાવ્યા હતા. તેમણે ડાંગના પીઆઈ આર.એસ. પટેલની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું કે પોલીસ જવાનો ઘણીવાર પોતાના જીવના જોખમે પણ લોકોની સેવા કરે છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. આ સન્માન માત્ર રોહિત પટેલનું જ નહીં, પરંતુ ડાંગ જિલ્લા પોલીસ અને સમગ્ર સુરત રેન્જ-સિટી પોલીસની સમર્પણ ભાવનાનું પ્રતીક છે.આ સન્માનથી ફરજ પરના અન્ય પોલીસકર્મીઓ પણ વધુ પ્રેરિત થશે અને સમાજમાં પોલીસની સકારાત્મક છબી વધુ મજબૂત બનશે..
 
				







