કારમાં તસ્કરો આવતાં હોવાની વાતો વહેતી થઇ પણ હજી સુધી કોઇએ જોયા નથી


સમીર પટેલ, ભરૂચ
ઝઘડિયાથી લઇ જંબુસર સુધીના વિસ્તારમાં રાત્રીના સમયે કારમાં તસ્કર ટોળકી આવતી હોવાની વાત દાવાનળની જેમ ફેલાતાં લોકોને જાનમાલની ચિંતા સતાવી રહી છે. દિવ્યભાસ્કરની ટીમે ગામોમાં પહોંચી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જંબુસર તાલુકાનું જંત્રાણ ગામ. ગામના બસ સ્ટેન્ડ પાસે યુવાનોનું ટોળુ હાથમાં લાકડીઓ સહિતના હથિયારો સાથે ઉભેલું હતું. કોઇ પણ અજાણ્યો વ્યકતિ દેખાય તો તેને અટકાવીને પૂછપરછ કરવામાં આવે છે. કયાંથી આવ્યો છે અને કયાં જાય છે સહીતની પુછપરછ બાદ ખાતરી થાય તો તેને જવા દેવામાં આવે છે. ગામની અંદર જતાંની સાથે અન્ય લોકો પણ તેમના ફળિયામાં ચોકીદારી કરતાં જોવા મળ્યાં હતાં. દરેકના મુખે એક જ વાત સાંભળવા મળતી હતી. ચડ્ડી પહેરીને ચોરો આસપાસના ગામોમાં ફરી રહયાં છે. જયારે અમે ગામલોકોને પૂછયું કે તમે કોઇ દિવસ ચોરને જોયો છે ત્યારે જવાબ મળ્યો કે જોયા તો નથી, પણ વાતો સાંભળી છે. ગામમાં પોલીસ આવે છે ખરી ત્યારે લોકોએ કહયું કે રાતના એક વાર જીપ આવે છે. એક ગ્રામજને જણાવ્યું કે, રાતના 8 વાગ્યાની આસપાસ બૂમો પડે છે.. ચોર આવ્યાં, ચોર આવ્યાં એટલે ગામલોકો ભેગા થઇ જાય છે. રાતના 12 વાગ્યા સુધીમાં માહોલ શાંત થઇ જાય છે અને કેટલાય ફળિયામાં લોકો સવારે 4 વાગ્યાથી ફેરી ફરતાં રહે છે. જંત્રાણ બાદ સિંધવ ગામમાં પણ આવો જ માહોલ હતો. મગણાદ ગામમાં ગત રાત્રિના સમયે નવી નગરી વિસ્તારમાં શંકાસ્પદ વ્યકતિ દેખાતાં બૂમો પડી હતી અને દોડધામ મચી હતી પણ કોઇ હાથ લાગ્યું ન હતું.



