નવસારી મનપા વિસ્તારમા આવતી ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની યોજના..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૮: સરકારશ્રી દ્વારા સ્વર્ણિમજયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી રસ્તા અને સ્ટ્રીટ લાઇટના કામો માટે સહાયની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના નવા સમાવિષ્ટ ગામો સહિત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં અમલમાં છે. આ યોજના હેઠળ ખાનગી સોસાયટીઓ, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતો તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓના વિકાસના કામો જેવા કે આંતરીક રસ્તાઓ, પેવર બ્લોક આર. સી. સી. રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપલાઇન જેવા કામો હાથ ધરવાના રહે છે. આ યોજનામાં ૭૦% રકમ રાજ્ય સહાય તરીકે, ૨૦ % રકમ ખાનગી સોસાયટીનો ફાળો, તેમજ ૧૦ % રકમ મહાનગરપાલિકા દ્વારા ભોગવવાની રહેશે. સરકારશ્રીની યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ખાનગી સોસાયટીઓ દ્વારા કુલ પ્રોજેક્ટ ખર્ચના ૨૦% લોકફાળો ભરપાઈ કરવાની સંમતી સાથે લેખિત અરજી સીટી ઇજનેરશ્રી નવસારી મહાનગરપાલિકાને દિન-૧૫માં મોકલી આપવાની રહેશે.
નવસારી મહાનગરપાલિકાને મળેલ અરજીઓ વહેલા તે પહેલાનાં ધોરણે મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીની યોજનાની શરતો મુજબ અમલવારી કરવામાં આવશે જે તમામ ખાનગી સોસાયટીઓને બંધનકર્તા રહેશે એમ નવસારી મહાનગરપાલિકા, સિવિલ ઈજનેરી અને સીટી બ્યુટીફિકેશન વિભાગના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર નવસારી મહાનગરપાલિકા દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.




