નઈમ દીવાન, વાગરા
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા દરેક સરકારી કચેરીઓમાં હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું હતું ત્યારે હવે સમગ્ર જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશીયલ હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આજથી વાગરામાં પણ સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. વાગરાની હનુમાન ચોકડી સહિતના વિવિધ વિસ્તારોમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી ફુલતરિયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસના જવાનોએ વાહન ચેકિંગ કર્યું હતું. અને હેલ્મેટ ન પહેરનાર બાઈક ચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વાગરા પોલીસે આજે નિયમોને નેવે મુકનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી. વાગરા પોલીસે કુલ 20 વાહન ચાલકોને મેમાં આપ્યા હતા. અને 10 હજાર જેટલો દંડ વસુલ્યો હતો. પોલીસની કડક કાર્યવાહીને લઈને નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથકની ટીમ દ્વારા ચાર રસ્તા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને હેલ્મેટ ન પહેરનાર ટુ વહીલર ચાલકો પાસે દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. હેલ્મેટ ન પહેનાર ટુ-વ્હીલર ચાલક પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. પોલીસની કામગીરીના કારણે ટુવહીલ ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતના બનાવોમાં મૃત્યુની સંભાવના વધી જતી હોય છે. જેના પગલે ગુજરાત હાઇકોર્ટ અને ત્યારબાદ રાજ્યના પોલીસવડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો અમલ કરાવવા માટે પોલીસ વિભાગે પણ કમરકસી છે.