AHAVADANGGUJARAT

સાપુતારાનાં ટેબલ પોઈન્ટ પર જમ્પિંગના પૈસા બાબતે પ્રવાસીઓ સાથે મારામારી કરતા ૧૨ શખ્સો સામે પોલીસ ફરિયાદ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

સાપુતારા ખાતે  લુખ્ખાગીરી કરતા પરપ્રાંતિઓ દ્વારા પ્રવાસનધામ સાપુતારાની શાંતિને ડહોળવાનો પ્રયાસ:- નોટિફાઇડ એરિયા કચેરી સાપુતારાનો અણધડ વહીવટ

ગુજરાતના પ્રસિદ્ધ ગિરિમથક સાપુતારાના ટેબલ પોઈન્ટ ખાતે ગઈકાલે શુક્રવારે એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્રના નાસિક શહેર પોલીસમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ અને તેમના પરિવાર તેમજ મિત્રમંડળ પર પરપ્રાંતીયો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જમ્પિંગ રાઈડના પૈસાની નજીવી બાબતે શરૂ થયેલા ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતુ.જેમાં 12 થી વધુ શખ્સોના ટોળાએ ફરિયાદી પક્ષને જાહેરમાં ઢીકા-પાટુનો માર માર્યો હતો અને અશ્લીલ ગાળો બોલી હંગામો મચાવ્યો હતો.આ બનાવ અંગે રવિન્દ્ર રામનાથ પઠારે (ઉ.વ. 34), જેઓ નાસિક શહેરના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, તેમણે સાપુતારા પોલીસ મથકે 12 થી વધુ જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રવિન્દ્ર પઠારે તેમના પરિવાર અને અન્ય પોલીસકર્મી મિત્ર રોશનીબેન ભામરેના પરિવાર સહિત કુલ 11 વ્યક્તિઓ સાથે રોશનીબેનની સ્કોર્પિયો (નં. MH-15-KG-1422) અને મિત્ર અનિલ ડુકરેની થાર (નં. MH-46-CK-2425) ગાડીઓમાં રોશનીબેનના સંબંધીની દીકરીનો જન્મદિવસ હોવાથી નાસિકથી સાપુતારા ફરવા આવ્યા હતા. ત્યારે સાંજે આશરે 4:30 વાગ્યે તેઓ સાપુતારા ટેબલ પોઈન્ટ પર પહોંચ્યા હતા. તેમના બાળકો ત્યાંની જમ્પિંગ રાઈડમાં રમી રહ્યા હતા. ત્યારે રાઈડ ચલાવતા શખ્સે તાત્કાલિક પૈસા ચૂકવવા જણાવ્યું હતું. ફરિયાદીએ થોડીવાર પછી પૈસા આપવાનું કહેતા તકરાર શરૂ થઈ હતી.જોકે, રોશનીબેનના માતા શોભાબેને તરત જ પૈસા આપી દીધા હતા.પૈસા ચૂકવ્યા બાદ ફરિયાદી પક્ષ ત્યાંથી જવા નીકળ્યો ત્યારે જમ્પિંગ રાઈડ ચલાવતા શખ્સ અને તેની આસપાસના લોકો અંદરોઅંદર હાથના ઇશારા કરી વાતો કરતા હતા. આ જોઈને રોશનીબેને તેમને પૂછ્યું કે, “હવે તો અમે પૈસા આપી દીધા છે, હવે શું છે? શું બોલ-બોલ કરો છો?”આ વાત કહેતા જ જમ્પિંગ ચલાવતા શખ્સ સાથેની બે મહિલાઓ લાહનીબેન પ્રકાશભાઈ વાઘમારે (રહે. માલેગામ, આહવા) અને નિધિની જગન્નાથ મિશ્રા (રહે. સાંઈ બજાર, સાપુતારા)એ રોશનીબેનને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને માર માર્યો હતો.આટલું થતાં જ ત્યાં હાજર ગિટારવાળા, ફોટાવાળા અને ઘોડાવાળા લોકોનું મોટું ટોળું એકસંપ થઈ ગયું હતું. આ ટોળાએ ફરિયાદી રવિન્દ્ર પઠારે અને તેમની સાથેના લોકોને જાહેર જગ્યાએ અશ્લીલ ગાળો બોલી, ઢીકા-પાટુનો આડેધડ માર માર્યો હતો.આ હુમલામાં હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર પઠારેને શરીરે મૂઢ માર અને મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. રોશનીબેનને બંને મહિલાઓએ માર મારતા તેમને શરીરે મૂઢ ઈજા અને હાથ પર સામાન્ય ઈજા પહોંચી હતી. રોશનીબેનના ભાઈ ધીરજભાઈને ગિટાર વડે માર મારતા પીઠના ભાગે ઈજા થઈ હતી. જ્યારે તેજસ ઈશી અને અનિલ ડુકરેના શર્ટ ફાડી નાખી તેમને પણ પીઠના ભાગે સામાન્ય ઈજા પહોંચાડવામાં આવી હતી.વધારે મારથી બચવા માટે ફરિયાદી પક્ષ તરત જ તેમની બંને ગાડીઓમાં બેસીને સાપુતારા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં તેમણે સમગ્ર ઘટનાની જાણ કરી અને હુમલાનો મોબાઈલમાં ઉતારેલો વિડીયો પોલીસને બતાવ્યો હતો.પોલીસે વિડીયોના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમાં દેખાતા કેટલાક શખ્સોને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. ફરિયાદી રવિન્દ્ર પઠારેએ ઓળખી બતાવેલા અને અન્ય મળી કુલ 12 થી વધુ વ્યક્તિઓ વિરુદ્ધ સાપુતારા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સાપુતારા પોલીસે  (૧) લાહનીબેન પ્રકાશભાઈ વાઘમારે (2) નિધીની જગન્નાથ મિશ્રા (3) પવન રમેશ મિશ્રા (4) રાહુલ બીરેન્દ્ર પાંડે (5) પ્રકાશભાઈ રઘુભાઈ વાઘમારે (6) સુરજકુમાર લાલબાબુ પાસવાન (7) મુરારી રાજકીશોર ઠાકોર (8) આદિત્ય અશોક પાંડે (9) રોશન પ્રમોદ મંડલ (10) ગુલાબ જયરામ વાઘમારે (11) દીનાનાથ અશોક શાહ અને (12) નિલેશ જયસીંગ યાદવ સહિત અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોધી છે.અને આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે..

બોક્ષ:- (1) સાપુતારા નોટીફાઇડ એરિયા ઘોર નિંદ્રામાં : – સાપુતારા નોટિફાઇડ એરિયા કચેરીના બેજવાબદાર અધિકારીઓના પગલે રાજ્યનું પ્રવાસન સ્થળ “મિનિ બિહાર” બની જતા તંત્રના કાર્યશૈલી ઉપર અનેક સવાલો ઉભા થયા છે. સાપુતારા ખાતે આ મારામારીનો જે બનાવ સામે આવ્યો છે તેમાં પ્રવાસીઓને જે વ્યક્તિઓ દ્વારા મારવામાં આવેલ છે તે પરપ્રાંતીય હોય તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે અહીં પરપ્રાંતીઓનો જમાવડો હોવાથી આ પ્રકારની ઘટના બની હોય તે ચર્ચા એ પણ પંથકમાં જોર પકડ્યું છે. તેમજ નોટિફાઇડ એરીયા કચેરીના જવાબદાર અધિકારીઓ દ્વારા આ પર પરપ્રાંતીઓને લઈને કોઈપણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ ન હોય અને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવામાં આવેલ ન હોવાથી આ પ્રકારની ઘટનાઓ બની હોય તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે. ત્યારે નોટિફાઇડ એરીયા કચેરી આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરશે કે પછી “ચલતા હૈ ચલને દો”નું  વલણ અપનાવશે તે તો આવનાર દિવસોમાં જોવું રહ્યુ.

Back to top button
error: Content is protected !!